પ્રેમીઓ સાથે સમય વીતાવવા અને કોઈને ખબર પણ ન પડે એટલે છુપાઈને ક્યાંક ફરવા ઉપડી જતા હોય છે. પરંતુ ક્યારેક છુપાઈને ફરવા જતા નાની યાદ આવી જાય તેવું બનતું હોય છે. કડી-કલોલના એક પ્રેમીપંખીડાને પણ એક મોટી યાતનામાંથી પસાર થવાનો વારો આવ્યો અને ફરી ક્યારેક સિક્રેટ ટ્રીપ પર નહીં જાય તેવી પ્રતિજ્ઞા લઈ લેશે.
ગુરુવારે મૂળ કડી-કલોલનું આ કપલ પાવાગઢ પહોંચ્યું હતું પરંતુ કરમની કઠણાઈએ પહાડી પર ચઢતાં તેઓ નીચે ખીણમાં ગબડી પડ્યાં હતા. શુક્રવારે સવારે પોલીસને આ ઘટના અંગે ઇમરજન્સી કોલ આવ્યો હતો. આ પછી પોલીસે કપલની શોધખોળ શરૂ કરી હતી. ત્રણ કલાકના સર્ચ ઓપરેશન બાદ બંનેને બચાવી લેવામાં આવ્યા હતા. આખી રાત જંગલમાં રહ્યા પછી પણ તેઓ બચી ગયા એ તેમનું નસીબ છે.
આ કપલ પાસે મોબાઈલ હતો તેઓ ધારેત તો ફોન કરીને મદદ માગી શક્યા હોત પરંતુ તેમણે એવું ન કર્યું અને આખી રાત જંગલમાં વિતાવી. તેમને ડર હતો કે જો તેઓ મોબાઈલથી કોઈની મદદ માગશે તો તેમના સંબંધને ઘરવાળાને ખબર પડી જશે તેથી તેમણે સંબંધ છુપાવવા આવી બધી મુશ્કેલીઓ સહન કરી લીધી અને સવારમાં સર્ચ ટીમે તેમને બચાવી લીધા હતા. આ કપલ એ વાતથી અજાણ હતા કે આ જંગલ દીપડા અને સાપથી ભરેલું છે. તેઓ નસીબદાર છે કે તેઓ તળાવ નજીક કાંટાળી ઝાડીમાં ફસાઈ ગયા હોવાથી જીવતા જંગલમાંથી બહાર આવ્યા છે. તે બહાર આવ્યું છે કે જ્યાં તેઓ ફસાયા હતા તે સ્થળ હેલિકલ વાવની પાછળનો જંગલ વિસ્તાર છે. જે ત્યજી દેવાયેલી ખાણોની નજીક છે. ત્યાંનો વિસ્તાર સ્થાનિકો માટે પ્રતિબંધિત વિસ્તાર તરીકે પણ ઓળખાય છે.