ડેટા સુરક્ષાની જવાબદારી નક્કી કરવા માટેની જોગવાઈઓ સાથે ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2023’ને સંસદે મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે બુધવારે રાજ્યસભામાં પસાર કરાયેલા આ બિલમાં ડિજિટલ પર્સનલ ડેટાના સંરક્ષણ અને પ્રચારમાં સામેલ સંસ્થાઓ પર સામાન્ય અને કેટલાક કિસ્સાઓમાં વિશેષ જવાબદારી લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે.
‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2023’ને 7 ઓગસ્ટે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી આવશ્યક સેવાઓ પહોંચાડી છે અને સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. દરેક વ્યક્તિએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું મહત્વ જોયું છે અને હવે આપણા જીવનની જરૂરિયાત બની ગયું છે. ‘ એમને આગળ જણાવ્યું કે ‘900 મિલિયન ભારતીયો ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે અને ડિજિટલ સુવિધાઓ નાનામાં નાના ગામડા સુધી પણ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં ડિજિટલ ડેટાની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને ધ્યાનમાં રાખીને આ બિલ લાવવામાં આવ્યું છે.’
કોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીએ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘આ બિલમાં ડેટા સુરક્ષા માટે યોગ્ય જોગવાઈ કરવામાં આવી છે અને જે કંઈ પણ ડેટા એકત્ર કરવામાં આવશે તે કાયદા અનુસાર તેનો ઉપયોગ નિર્દિષ્ટ કાર્ય માટે કરવામાં આવશે. સાથે જ ઉપયોગ કર્યા પછી ડેટાને કાઢી નાખવાનો રહેશે, ડેટાને ખાનગી રાખવા માટે તમામ પગલાં લેવામાં આવશે અને તેની જવાબદારી ડેટા એકઠા કરનારની રહેશે કે તે કાયદા અનુસાર ડેટાનું રક્ષણ કરશે. કોઈપણ વ્યક્તિનો ડેટા, કોઈપણ પ્લેટફોર્મ કે એપ પર આવતો ડેટા હવે કાયદા હેઠળ આવશે. આ ડેટાનો ઉપયોગ તે હેતુ માટે થવો જોઈએ જેના માટે તે લેવામાં આવ્યો છે.’
તેમણે કહ્યું કે આમાં એક જોગવાઈ કરવામાં આવી છે કે જેટલો ડેટા જરૂરી હોય તેટલો જ લેવામાં આવે અને જો કોઈ વ્યક્તિના અંગત ડેટામાં કોઈ ફેરફાર થાય તો તેનું પાલન કરવું જોઈએ. બિલનો ઉદ્દેશ્ય એ છે કે ડેટાને જેટલો સમય રાખવો જોઈએ તેટલા સમય સુધી રાખવા જોઈએ. આ દ્વારા ડેટા સુરક્ષાની જવાબદારી નક્કી કરવામાં આવી છે. લોકો સોશિયલ મીડિયા પર ડેટા મુકવામાં આનાકાની કરે છે તેમને તેના પર નિર્ણય લેવાનો અધિકાર હશે. ડેટા પ્રોટેક્શન બોર્ડની રચના કરવામાં આવશે જે ડેટા સંબંધિત સમગ્ર સિસ્ટમનું ધ્યાન રાખશે.
ડેટા સિક્યુરિટી બિલની હાઇલાઇટ્સ…
– કેન્દ્ર સરકાર પાસે ભારતની બહાર કોઈપણ દેશમાં ડેટા ટ્રાન્સફર રોકવા અને પ્રતિબંધિત કરવાની સત્તા હશે.
– યુઝર ડેટાનો ઉપયોગ કરતી સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સના અંગત ડેટાને સુરક્ષિત રાખવાનો રહેશે, પછી ભલે તે થર્ડ પાર્ટી ડેટા પ્રોસેસરનો ઉપયોગ કરીને ડેટા એક્સેસ કરતી હોય.
– બાળકોનો ડેટા અને શારીરિક રીતે અક્ષમ લોકોનો ડેટા તેમના વાલીની પરવાનગી પછી જ એક્સેસ કરી શકાય છે.
– ડેટા ભંગ અથવા ડેટા ચોરીના કિસ્સામાં, કંપનીઓએ ડેટા પ્રોટેક્શન બોર્ડ અને યુઝર્સને જાણ કરવી પડશે.
– બોર્ડના નિર્ણયો સામેની અપીલોની સુનાવણી ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ અને એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવશે.
– બોર્ડ કંપનીઓની તપાસ કરી શકે છે અને તેમના હિસાબો અને દસ્તાવેજોની પણ તપાસ કરી શકે છે.
– ડીપીબી ઊંડી તપાસ બાદ સોશિયલ મીડિયા કંપનીઓ પર દંડ પણ લગાવી શકે છે.
– જો કોઈ કંપની આ કાયદાનું બેથી વધુ વખત ઉલ્લંઘન કરે છે, તો કોઈપણ મધ્યસ્થીની કંપનીની ઍક્સેસને અવરોધિત કરી શકાય છે.
– સોશિયલ મીડિયા કંપનીઓએ ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કરવી પડશે અને યુઝર્સને પણ તેની જાણકારી આપવી પડશે.
– ડેટાના ભંગ માટે કંપનીઓને રૂ. 250 કરોડ સુધીનો દંડ પણ થઈ શકે છે.