દેશમાં ફરી એક વખત ભાવ વધારાની મૌસમ શરૂ થઈ છે. ખાસ કરીને સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવા પડયા છે અને ઘઉંના સતત વધતા ભાવને નિયંત્રીત કરવા સ્ટોક લીમીટ સહિતના પગલા પણ લીધા છે છતાં પણ જે રીતે ભાવ વધી રહ્યા છે તેમાં હવે સરકાર તેની પાસેના બફર સ્ટોકમાંથી ચોખા અને ઘઉંનો જથ્થો માર્કેટમાં મુકીને ભાવસપાટી પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરશે.
ફુગાવો ફરી એક વખત 6%ની સપાટી તોડીને આગળ વધી શકે છે. દેશમાં ચોમાસુ સારુ હોવા છતાં અનિયમીત છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવ ઉંચા છે. ફકત ઘઉં-ચોખા જ નહી ખાદ્ય તેલના ભાવ પણ ફરી એક વખત વધી રહ્યા છે પણ બેઝીક ખોરાક તરીકે ચોખા અને ઘઉંનો ભાવવધારો લોકોની ભોજનની થાળીને વધુ મોંઘા બનાવે છે તે રિપોર્ટ હવામાં જ આવી ગયો છે.
જૂનથી જ ઘઉં અને ચોખાના ભાવ વધ્યા છે. ઘરેલું બજારમાં ચોખાના ભાવ 20% જેટલા વધી ગયા છે અને ચાર માસથી ઘઉંના ભાવ પણ સતત વધી રહ્યા છે અને કુલ 18% જેટલા ઉંચા ભાવ ગયા છે જે છેલ્લા છ માસમાં સૌથી ઉંચી સપાટી પર છે. જેના કારણે હવે 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખા ખુલ્લા બજારમાં મુકશે. ખાસ સચીવ સંજીવ ચોપડાએ ગઈકાલે આ જાહેરાત કરી છે. દેશમાં ઘઉં-ચોખાના ભાવમાં જ તિવ્ર વધારો થયો છે તેમાં હવે કેટલી રાહત ખરીદનાર વર્ગને કેટલો લાભ થશે તે પણ પ્રશ્ન છે.
વાસ્તવમાં સરકાર 18 જૂનથી આ વેચાણ કર્યા જેમાં 15 વર્ષમાં પ્રથમ વખત સ્ટોક લીમીટ નિશ્ચિત કરી હતી અને તે અગાઉ 31 માર્ચ 2024 સુધીમાં કેન્દ્રીય સ્ટોકમાંથી ફલોરમીલો, જથ્થાબંધ ખરીદનાર અને અન્યને 15 લાખ ટન ઘઉં વેચ્યા હતા.
સરકારે આ ઉપરાંત ચોખાના ભાવમાં પણ પ્રતિ કિલો રૂા.2નો ઘટાડો કર્યો છે અને ઈ-ઓકશનમાં નાના વ્યાપારીઓને પણ ઘઉં-ચોખા ખરીદી શકે તે નિશ્ચિત કર્યુ છે. ગત વર્ષે જે રીતે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરુ થયું તે પછી અનાજની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં માવઠા તથા ચોમાસાની અનિયમીતતામાં પણ ભૂમિકા ભજવી છે. દેશમાં ઘઉંનું ઉત્પાદન 2021-22 (જુલાઈ-જૂન)માં ગત વર્ષે 10.95 કરોડ ટનથી ઘટીને 10.77 કરોડ ટન નોંધાયું અને તેના ઉપરાંત સરકારી ખરીદી પણ 4.3 કરોડ ટનથી ઘટીને 1.9 કરોડ ટન થઈ હતી. જયારે 2022-23માં ઉત્પાદન 11.27 કરોડ ટન રહેશે તેવો અંદાજ છે તો દેશમાં ઘઉં-ચોખાના પુરતો બરફ ઉપલબ્ધ છે જેમાં 87 લાખ ટન ઘઉં અને 217 લાખ ટન ચોખા ઉપલબ્ધ છે.