ભારતીય રિઝર્વ બેંક દ્વારા સતત ત્રીજી વખત વ્યાજદરમાં બદલાવ કરવાનું ટાળવામાં આવ્યું છે. આજે ધિરાણનીતિની સમીક્ષા બેઠકમાં રેપોરેટ 6.5 ટકાએ યથાવત રાખવાનું જાહેર કરવામાં આવ્યુ હતું. રિઝર્વ બેંકની મોનેટરી પોલીસી કમીટીની ત્રણ દિવસની બેઠક ખત્મ થયા બાદ આજે રેપોરેટમાં કોઈ બદલાવ નહીં કરવાનું એલાન કરવામાં આવ્યુ હતું. કમીટીના 6 માંથી 5 સભ્યોએ રેપોરેટ યથાવત રાખવાનો અભિપ્રાય આપ્યો છે.
રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર સ્થિર થવા સાથે વિકાસ ભણી આગળ ધપી રહ્યું છે. દેશની બેંકો પણ છેલ્લા દાયકામાં સૌથી વધુ તંદુરસ્ત બની છે. વૈશ્વીક વિકાસ દરમાં ભારતનું યોગદાન વધીને 15 ટકા થયુ છે. આર્થિક વિકાસ- અર્થતંત્રના પોઝીટીવ ચિત્ર તથા મોંઘવારી હજુ પડકારજનક છે. જુલાઈથી સપ્ટેમ્બરનો રીટેઈલ ફુગાવો 5.2 ટકાને બદલે 6.2 ટકા રહેવાનો તથા ઓકટોબર-ડીસેમ્બરનો ફુગાવા દર 5.4 ટકાને બદલે 5.7 ટકા થવાનો અંદાજ દર્શાવાયો છે. જાન્યુઆરી-માર્ચ 2024નો રીટેઈલ ફુગાવો 5.2 ટકાએ યથાવત રહી શકે છે તેમજ એપ્રિલ-જૂન 2024માં 5.2 ટકા રહેવાનો અંદાજ છે.