હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી છ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયનો સમાવેશ થાય છે. આ છ રાજ્યોમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ અને ત્યારપછી આગામી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી એક સપ્તાહ દરમિયાન દેશના બાકીના ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે અને ત્યારબાદ સક્રિય ચોમાસાની સ્થિતિ ફરી શરૂ થશે. જ્યારે દેશના બાકીના ભાગોમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થશે, રવિવાર સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ છૂટાછવાયા અને એકદમ વ્યાપક વરસાદની અપેક્ષા છે.
હવામાન વિભાગે કહ્યું કે, 15 ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે પંજાબ અને હરિયાણામાં રવિવારે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 13 અને 14 ઓગસ્ટે વરસાદની અપેક્ષા છે. IMDએ કહ્યું કે, પૂર્વી ઉત્તર પ્રદેશની સાથે જમ્મુમાં રવિવાર સુધી વરસાદની સંભાવના છે.
શુક્રવારે ચંબા જિલ્લામાં ભૂસ્ખલન બાદ એક વાહન સિઉલ નદીમાં પડતાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયાં અને 4 અન્ય ઘાયલ થયાં. મૃતકોમાં ચંબા બોર્ડર પર તૈનાત 2જી ભારતીય રિઝર્વ બટાલિયનના છ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે તેમની ઓળખ રાકેશ ગોરા, પ્રવીણ ટંડન, કમલજીત, સચિન, અભિષેક અને લક્ષ્ય કુમાર તરીકે થઈ છે, જ્યારે સાતમો મૃતક ચંદ્રુ રામ છે, જે સ્થાનિક રહેવાસી છે.