પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તેની અસર ત્યાં ડોલર સામે ચલણની કિંમતો ઘટવાથી સ્પષ્ટ દેખાય છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટના કારણે 1 ડૉલરની કિંમત પાકિસ્તાની રૂપિયાની સામે 302 રૂપિયા થઈ ગઈ છે.
પાકિસ્તાનના એક્સચેન્જ કંપનીઝ એસોસિએશનના મહાસચિવ ઝફર પરચાએ માહિતી આપી હતી કે યુએસ ડોલરનો દર સતત વધઘટ થતો રહ્યો અને 302 રૂપિયા સુધી પહોંચી ગયો. પાકિસ્તાની મીડિયા અનુસાર આવતા વર્ષે જૂનના અંત સુધીમાં દેશમાં ડોલર 330-340 રૂપિયાની વચ્ચે રહેશે.
સતત વધી રહેલા મોંઘવારી દરને કારણે પાકિસ્તાન મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. એક વર્ષ પહેલા પાકિસ્તાનમાં 1 ડૉલરની કિંમત 239 રૂપિયાની આસપાસ હતી. એક આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં 1 ડોલરની કિંમતમાં 183 રૂપિયાનો તફાવત જોવા મળ્યો છે. પાકિસ્તાનમાં બે દિવસ પહેલા 1 ડૉલરની કિંમત 286 રૂપિયાનીનજીક હતી. કરન્સી એક્સચેન્જોનું માનવું છે કે સ્ટેટ બેંક પાસે વિદેશી મુદ્રા ભંડાર ઊંચા હોવા છતાં IMF સાથેના સોદાને કારણે ડૉલરને વેગ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કથળેલી છે. તેને તાજેતરમાં વર્લ્ડ બેન્કે માંડ-માંડ લોન આપી છે. આ ઉપરાંત તે સાઉદી અરેબિયામાંથી મળતી ખેરાત અને ચીનની મદદ પર નભી રહ્યુ છે. ચીનના પ્રોજેક્ટના નાણા પણ પાકિસ્તાનમાં સલવાયા છે. આ સંજોગોમાં પાકિસ્તાનની સ્થિતિ દરરોજે બદથી બદતર થઈ રહી છે. તેની સીધી અસર પાકિસ્તાનના ચલણ પર પડી છે.






