ભારત-પાકિસ્તાનની અટારી બોર્ડર પર મધરાતે 12 વાગ્યે શાંતિના સંદેશ સાથે 77મા સ્વતંત્રતા દિવસની શરૂઆત થઈ. અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની યોજાઈ હતી, જેની શરૂઆત ભાંગડાથી થઈ હતી, જ્યારે યુવાનોએ દેશભક્તિનાં ગીતો પર ડાન્સ પણ કર્યો હતો. રાઈફલ સાથે બીએસએફની મહિલા જવાનોનાં કરતબ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. BSF જવાનોના જુસ્સાથી અટારી બોર્ડર ભારત માતાના જયઘોષથી ગુંજી ઊઠી હતી.
સવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સરહદ પર તિરંગો ફરકાવાયો હતો. આ દરમિયાન ડીઆઈજી બીએસએફે તિરંગો ફરકાવવાની વિધિ કરી હતી. આ દરમિયાન ડીઆઇજી બીએસએફ સંજય ગૌરે ત્રિરંગાને સલામી આપી હતી અને તમામ જવાનોને આ શુભ દિવસે શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે જવાનોમાં મીઠાઈ પણ વહેંચી હતી. જવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પણ પાઠવી હતી.
રાત્રે 12 વાગ્યે સરહદ પર પહોંચેલા ભારતના લોકોએ બંને દેશોની સરકારોને ઉજ્જવળ ભવિષ્ય માટે એક થવાનો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી હતી અને વિભાજનમાં માર્યા ગયેલા 10 લાખ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. લોકોએ હિંદુ-પાક ભાઈચારો ઝિંદાબાદના નારા લગાવ્યા. આઝાદીની રાત્રે અટારી બોર્ડર પર બનેલા સુવર્ણ દરવાજો પણ તિરંગાના રંગમાં રંગાયેલો જોવો મળ્યો હતો.
આઝાદીના અવસર પર બંને દેશને પ્રેમનો સંદેશ આપવા આવેલા લોકોએ કહ્યું હતું કે ભાગલા વખતે પંજાબ અને બંગાળ નામનાં બે રાજ્યને સૌથી વધુ નુકસાન થયું હતું. 10 લાખ લોકો માર્યા ગયા. આઝાદીના આ અવસર પર આ શહીદોને પણ યાદ કરવા જોઈએ. વ્યક્તિએ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ.