પાડોશી દેશ મ્યાનમારમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભારે વરસાદ અને પૂરના કારણે ખાણમાં ભૂસ્ખલન થવાથી 25 લોકોના મોત થયા છે. હજુ પણ 30 થી વધુ લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચાલુ છે.જેડ ખાણોમાં મોટા પ્રમાણમાં કુદરતી સંસાધનો છે જેમાં વિપુલમાત્રામાં કુદરતી સંસાધનો જેવા કે સોનું અને એમ્બર વગેરે સામેલ છે.
મુશળધાર વરસાદ અને પૂરને કારણે રવિવારે કાચિન પ્રાંતના હપાકાંત શહેરની બહારની બાજુએ આવેલી જેડ ખાણમાં ભૂસ્ખલન થયું હતું. મંગળવારે બચાવ કામગીરી દરમિયાન 25 મૃતદેહો મળી આવ્યા હતા. ગુમ થયેલા 30 લોકોની શોધ અને બચાવ કામગીરી બુધવારે પણ ચાલુ રહેશે. બચાવકર્મીઓએ મૃતદેહોને શોધવા માટે કાદવ સાફ કરવો પડ્યો, વિનાશનું દ્રશ્ય એવું હતું કે બચાવકર્તાઓએ કેટલાક મૃતદેહોને પાણીમાં તરતા જોયા.
બચાવ કાર્યકરોએ જણાવ્યું કે જ્યારે ખાણકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભારે વરસાદને કારણે લગભગ 150-180 મીટર (500-600 ફૂટ) ઊંચો માટીનો ઢગલો તૂટી પડ્યો હતો. ભારે વરસાદ અને પૂરના કારણે રાહત અને બચાવ કાર્ય પ્રભાવિત થયું છે. વરસાદના કારણે ખાણની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે, એવું માનવામાં આવે છે કે સ્થાનિક લોકો કોઈ કિંમતી સામગ્રી શોધવાની આશામાં કાદવમાં એકઠા થયા હતા, દરમિયાન ભૂસ્ખલન થયું હતું.