રાજ્યમાં જુલાઈ મહિનામાં મેઘતાંડવ બાદ અડધા મહિનાથી ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ હવામાન વિભાગ આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના પટ્ટામાં સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા.વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં વરસાદની શક્યતા છે. જેને લઇને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.જોકે તે દરમ્યાન હળવો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.