અમદાવાદ સહિત દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાંજે શહેરના મણીનગર વિસ્તારમાં એલ. જી. હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના બનતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ ઘટનામાં એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અમદાવાદના સૌથી ધમધમતા વિસ્તાર પૈકી એક મણીનગરમાં ફાયરિંગની ઘટના ઘટી છે. મણીનગર વિસ્તારમાં એલ. જી. હોસ્પિટલ પાસે અજાણ્યા શખ્સ દ્વારા જાહેરમાં ફાયરિંગ કરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. કેટલાક લોકો ડરના માર્યા હોસ્પિટલમાં દોડી ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે. મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે. બંદૂકના નાળચે સોનાની દુકાન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટના નિષ્ફળ પ્રયાસ બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે ત્યાં હાજર લોકોએ તેનો પીછો પણ કર્યો હતો. જે વીડિયો જોઈ શકાય છે. લોકોએ આરોપી લોકેન્દ્રનો પીછો કર્યાં બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી.