બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારે દિલ્હી ગયા હતા, જોકે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત કર્યા વગર જ પટણા પરત ફર્યા છે. પટણા પરત ફર્યા બાદ નીતીશ કુમારે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, હું મેડિકલ ચેકઅપ માટે દિલ્હી ગયો હતો, ત્યાં તેમણે આંખની સર્જરી કરાવી. ઉપરાંત તેમણે કેજરીવાલ-ખડગે સાથેની મુલાકાતની ચર્ચાઓને રદીયો આપી દીધો છે.
વાસ્તવમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હી ગયા હતા, ત્યારે એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે, તેઓ દિલ્હીમાં કેજરીવાલ અને કોંગ્રેસના મોટા નેતા સાથે મુલાકાત કરી શકે છે, જોકે નીતીશ કુમારે એક દિવસની દિલ્હી મુલાકાતમાં કોઈપણ રાજકીય નેતા સાથે મુલાકાત કરી નથી. નીતીશ કુમારે કહ્યું કે, તેઓ વિપક્ષી દળના નેતાઓ સાથે મુલાકાત કરવાના છે, તે અહેવાલોની મને ખબર નથી. તેમણે કહ્યું કે, નેતાઓ સાથે મારી સતત વાત થતી રહે છે.
એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન અંગે નીતીશ કુમારે ભાજપ નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી નીતીશે કહ્યું કે, વિપક્ષી દળો એક થયા છે, ઈન્ડિયા ગઠબંધનનું રૂપ લઈ ચુક્યું છે, ત્યારે ભાજપને એનડીએની યાદ આવી રહી છે. ભાજપે એક વખત પણ એનડીએની બેઠક યોજી નથી. હવે જ્યારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ રહી છે, ત્યારે એનડીએની બેઠક બોલાવવામાં આવી છે. દિલ્હી ગયેલા નીતીશની અન્ય નેતાઓ સાથે મુલાકાતન થતા ભાજપે કટાક્ષ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, નીતીશ કુમારને કોઈ પુછી રહ્યું નથી તેઓ કેજરીવાલ-ખડગેની મુલાકાત કરવા દિલ્હી ગયા હતા, પરંતુ તેમને કોઈએ આવકાર ન આપ્યો.