સરકારે સ્માર્ટ ફોન માટેની ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. જેના કારણે દેશભરના લાખો યુઝર્સના મોબાઈલમાં ફલેશ અને બીપનો અવાજ સંભળાયો હતો. વાવાઝોડા જેવી આપતિ સમયે સમયસર જનતાને જાગૃત કરવા આ સિસ્ટમ અમલી બનશે.
દેશભરના મોબાઈલ ફોન વપરાશકર્તાઓને જોરથી બીપ અને ફલેશ પ્રાપ્ત થઈ હતી, જેમાં ‘ઈમર્જન્સી એલર્ટ: સિવિયર’ લખવામાં આવ્યું હતું. આ મેસેજ રાષ્ટ્રવ્યાપી ઈમર્જન્સી એલર્ટ સિસ્ટમનો એક ભાગ છે. રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન સતામંડળ ઈમર્જન્સી દરમિયાન જાહેર સુરક્ષામાં વધારો કરવા અને સમયસર એલર્ટ આપવા માટે આ સિસ્ટમનો અમલ કરી રહી છે. દૂરસંચાર વિભાગ એ સેલ બ્રોડકાસ્ટીંગ સીસ્ટમ દ્વારા જિયો અને બીએસએનએલ સબસ્ક્રાઈબર્સને આજે બપોરે લગભગ 1.30 વાગ્યે ફલેશ મેસેજ મોકલ્યો હતો. તેમાં સ્પષ્ટતા કરાઈ હતી કે આ એક પરીક્ષણ છે અને કોઈ પગલાં લેવાની જરૂર નથી.
સ્માર્ટફોન યુઝર્સને મોકલવામાં આવેલા ફલેશ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી રાષ્ટ્રવ્યાપી ઈમર્જન્સી એલર્ટ સીસ્ટમના ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય જાહેર સલામતી વધારવા અને કટોકટી દરમિયાન સમયસર ચેતવણીઓ પ્રદાન કરવાનો છે. દૂરસંચાર વિભાગની સેલ બ્રોડકાસ્ટીંગ સિસ્ટમના જણાવ્યા મુજબ આવા પરીક્ષણો સમયાંતરે વિવિધ પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે.