અમદાવાદની સીમમાં આવેલા પીરાણા દરગાહને મંદિરમાં રૂપાંતર કરવાને લઈ લોકો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ સૈયદ ઈમામશાહ બાવાના વંશજોએ રૂપાંતરના વિરોધમાં આંદોલન જાહેર કર્યું હતું. આ તરફ હવે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી મહેડાવ નજીકથી 50 લોકોને ડીટેઈન કર્યા છે. આ તમામ લોકો મહેડાવમાં મંદિરના વિરોધમાં આંદોલન કરતા હોવાનું સામે આવ્યા છે. જેને લઈ આજે પેટલાદથી અમદાવાદના પીરાણા જતી બસમાં સવાર તમામને પોલીસે અટકાવ્યા છે.
પીર ઈમામશાહ બાવાના મૃત્યુની પાંચ સદીઓ પછી જેમનું અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું મંદિર હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. આ તરફ હવે તેમના હિન્દુ અનુયાયીઓએ સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું નામકરણ કર્યું છે. પીરના વંશજો જેઓ સ્થાનિક સૈયદ સમુદાયના છે તેઓએ આ નામ બદલવાનો સખત વિરોધ કર્યો છે.
ઈમામશાહ બાવાના વંશજોએ કહ્યું કે આ તીર્થસ્થાનને ભગવા કરવાનો પ્રયાસ છે. ઇમામશાહ બાવા રોઝા સંસ્થાનના ત્રણ મુસ્લિમ ટ્રસ્ટીઓએ ઉપવાસ પર ઉતરેલા 25 લોકો માટે સુરક્ષાની પણ માંગ કરી છે. ઈમામશાહ બાવાના વંશજોએ કહ્યું કે ગવર્નર સહિત વિવિધ સત્તાવાળાઓને કરેલી રજૂઆતમાં કહ્યું કે, ટ્રસ્ટીઓએ હઝરત પીર ઈમામશાહ બાવાની દરગાહ (જેઓ 16મી સદીની શરૂઆતમાં મૃત્યુ પામ્યા હતા) ને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરિત કરવાના “પ્રયાસ” સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓએ કહ્યું કે કેટલાક તત્વોએ 13 ઓગસ્ટના રોજ સમાધિ પર અને તેની આસપાસ દેવતાઓના પોસ્ટરો ચોંટાડ્યા હતા અને 15 ઓગસ્ટે મંદિરની બહાર 25 ફૂટનું હોર્ડિંગ લગાવ્યું હતું. આ હોર્ડિંગમાં ‘ઓમ શ્રી સદગુરુ હંસતેજી મહારાજ અખંડ દિવ્યજ્યોતિ મંદિર’ લખવામાં આવ્યું છે.
આ તરફ સંત માટે હિન્દુ નામ ધરાવતા હોર્ડિંગ્સ પર મંદિરના ટ્રસ્ટીઓમાંથી એક હર્ષદ પટેલે કહ્યું કે, આ સંતનું નામકરણ નથી. મુસ્લિમ ટ્રસ્ટીઓ આવો દાવો કરવામાં આવ્યો તે ખોટું છે. હંસતેજ મહારાજનું નામ 4,000 વર્ષથી વધુ સમયથી શાસ્ત્રોમાં છે. વિવિધ પુસ્તકોમાં ઈમામશાહ બાવાનો હંસતેજ મહારાજ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે બે દિવસ પહેલા જ આ નામનો ઉપયોગ કરીને પોસ્ટરો અને હોર્ડિંગ્સ લગાવ્યા છે. તે ટ્રસ્ટને “તીર્થધામ પ્રેરણાપીઠ” તરીકે પણ ઉલ્લેખ કરે છે.






