પ્રધાનમંત્રી જન-ધન યોજના કેન્દ્ર સરકાર દ્વારા વંચિતો અને ગરીબોને બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવા અને નાણાકીય સમાવેશ માટેના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાઈ હતી. હવે આ સરકારી યોજનામાં 500 મિલિયન એટલે કે 50 કરોડથી વધુ એકાઉન્ટ ખોલાયા છે. આ ખાતાઓમાં 2.03 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ છે. બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, નાણા મંત્રાલયે જણાવ્યું છે કે 9 ઓગસ્ટ-2023 સુધીમાં જન ધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર પહોંચી ગઈ છે. આમાંથી સૌથી વધુ 56 ટકા એકાઉન્ટ મહિલાઓના છે અને 67 ટકા એકાઉન્ટ ગ્રામીણ અથવા અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે.
આ એકાઉન્ટોમાં 2.03 લાખ કરોડથી પણ વધુ રકમ જમા છે. ઉપરાંત જન ધન યોજના હેઠળ ખોલાયેલા એકાઉન્ટના ગ્રાહકોને લગભગ 34 કરોડ રુપે કાર્ડ મફત અપાયા છે. મંત્રાલયના ડેટા મુજબ PMJDY ખાતાઓમાં સરેરાશ રકમ રૂ.4,076 છે. 5.5 કરોડથી વધુ ખાતાઓને DBT લાભો મળી રહ્યા છે.
લોકો બેન્કિંગ સેવા સુધી સરળતાથી પહોંચી શકે તે ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ-2014ના પ્રધાનમંત્રી જન ધન યોજનાની જાહેરાત કરી હતી અને આ યોજનાને 2014માં જ 28 ઓગસ્ટે શરૂ કરાઈ હતી. આ યોજનામાં એકાઉન્ટ ખોલાવનારાઓને ઝીરો બેલેન્સ, ફ્રી રૂપે ડેબિટ કાર્ડ સાથે 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો અને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે.






