શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ વર્ષો પહેલા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ ખેલાડીએ 2021માં ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી હતી. મલિંગા પણ મુંબઈ ઈન્ડિયન્સ માટે શરૂઆતથી આઈપીએલની દરેક સિઝન રમ્યો હતો અને ઘણી સિઝન પણ જીત્યો હતો. પરંતુ હવે આ ખેલાડી ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે.
પરત ફરવા માટે તૈયાર છે મલિંગા
લસિથ મલિંગા IPL 2024 માટે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરવા માટે તૈયાર છે. એક અહેવાલ મુજબ તે ટીમના ફાસ્ટ બોલિંગ કોચ તરીકે શેન બોન્ડનું સ્થાન લેશે. ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર છેલ્લી નવ સિઝનથી ટીમનો મુખ્ય કોચ છે. માહિતી અનુસાર, બોન્ડનો મુંબઈ સાથેનો કરાર હજુ સમીક્ષા હેઠળ છે. બોન્ડ સાથે મુંબઈ ઈન્ડિયન્સનો કરાર હજુ પૂરો થયો નથી. અગાઉ, સામે આવેલા અહેવાલ અનુસાર એ પણ અસ્પષ્ટ છે કે શું બોન્ડ ILT20 (ઇન્ટરનેશનલ લીગ T20, UAE) માં MI અમીરાતના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે. ટીમ તેની ડેબ્યૂ સિઝનમાં લીગમાં ત્રીજા સ્થાને રહી હતી.
મલિંગાની કારકિર્દી રહી શાનદાર
મલિંગાની મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખૂબ જ સફળ કારકિર્દી રહી છે. ટીમે તેના રહેતા પાંચ ટાઇટલ જીતી હતી. આમાં 2011માં ચેમ્પિયન્સ લીગ T20 જીતવા સિવાય ચાર IPL ટાઇટલ (2013, 2015, 2017, 2019)નો સમાવેશ થાય છે. મલિંગાએ મુંબઈ માટે 139 મેચ રમી અને 7.12ના ઈકોનોમી રેટથી 195 વિકેટ લીધી. જેમાંથી 170 વિકેટ આઈપીએલમાં આવી છે. તે આ લીગમાં સંયુક્ત રીતે છઠ્ઠો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
મલિંગાએ અગાઉ 2018માં ટીમમાં મેન્ટરિંગની ભૂમિકા ભજવી હતી. એક વર્ષ પછી, તે રમતમાં પાછો ફર્યો અને જસપ્રિત બુમરાહ સાથે મળીને ટીમના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કર્યું અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમણે 2021માં નિવૃત્તિ લીધા બાદ 2022માં રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલિંગ કોચની ભૂમિકા સંભાળી હતી.