અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા કુશ પટેલ આશરે 9 મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો ત્યાંથી તે નિયમિત પરિવાર સાથે સંપર્કમાં હતો પણ 11મી ઓગસ્ટ બાદ તેનો ફોન આવતો બંધ થઈ ગયો હોવાથી બે દિવસની રાહ જોયા બાદ પરિવારે તેના મિત્રનો સંપર્ક કરી તેની વિગતો મેળવવા પ્રયાસ કર્યો પણ કુશનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
કુશનો ક્યાંય પત્તો નહી લાગતા અંગે પોલીસમાં કુશ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરતા કુશનું લોકેશન લંડન બ્રીજ પાસે મળ્યું હતું પણ ત્યાં કુશ મળ્યો નહોતો. જે પછી 19મી ઓગસ્ટની રાત્રે લંડન બ્રિજ પાસે પોલીસને એક મૃતદેહ મળી આવ્યો હતો. જેના DNA અને બાયોમેટ્રીકના આધારે તેની ઓળખ થઈ હતી.
કુશના આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકડામણના કારણે તેણે લંડન બ્રીજ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, કુશ પટેલ સ્ટુડન્ટ વિઝા પર બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે લંડન ગયો હતો. 2-3 મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા જેથી પરિવારને આ તમામ બાબતે શું જવાબ આપશે તે વાતની ચિંતા હોવાથી તે મોબાઇલ બંધ કરીને ક્યાંય જતો રહ્યો હોવાની શંકા જણાઈ હતી.






