અમદાવાદના ગોમતીપુર વિસ્તારના કોંગ્રેસ પક્ષના ભૂતપૂર્વ કોર્પોરેટર દેવેન્દ્ર વિસનગરી અને પોલીસના વહીવટદારના ધંધા પર તવાઈ બોલવામાં આવી છે. પીસીબી ગોમતીપુરમાં આવેલી કુમકુમ હોટલમાં દરોડા પાડીને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહીત સાત લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે.
પીસીબીની કામગીરીથી પોલીસ સ્ટાફમા કર્મચારીઓ અંદરખાને ખુશ જણાઈ રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મહિલા પી.આઈના ખાસ વહીવટદારનું આ જુગારધામને પ્રોટેક્શન હતું, ખાસ વહીવટદાર મનાતા પોલીસકર્મીના મોજશોખ જોતા લાગે છે કે સાહેબને ચારેય બાજુથી સારી એવી મલાઈ મળી રહે છે. જોકે જુગાર રેડ બાદ આ તમામ માહિતી અમદાવાદ પોલીસ કમિશનર અને મહિલા ડીસીપી સુધી પહોંચી ચૂકી છે.
શહેરમાં નવા પોલીસ કમિશ્નર આવતા જ દારૂ જુગારના ધંધા પર સપાટો બોલાવાનું ચાલુ કર્યું છે. કમિશ્નરની કાર્યવાહી જોતા લાગી રહ્યું છે કે થોડાક દિવસમાં શહેરમાં આંતરિક બદલીઓ આવી શકે છે. સૂત્રો જણાવી રહ્યા છે કે વહીવટદાર બની બેઠેલ પોલીસકર્મી આર્થિક ગુનાહ નિવારણ શાખા ગાયકવાડ હવેલી ખાતે ફરજ બજાવે છે. સમગ્ર ઘટના જોતા હવે પોલીસ બેડામાં એક જ ચર્ચા છે કે આવા વહીવટદારોની વિદાય કમિશ્નર દ્વારા ક્યારે કરવામાં આવે છે.




