પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું .મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યે ખુલ્યાની સાથે જ જાણે માનવ સાગર છલકાયો હોઈ તેવા દૃશ્યો હતા અને ચારેય તરફ હર હર મહાદેવ…,જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો.પ્રથમ સોમવારે મહાદેવને ખાસ પ્રાતઃ શૃંગાર કરવામાં આવ્યો હતો.
પાલખીપૂજન તથા પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું.પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રાને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહારથી શણગારવામાં આવી હતી.મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે આ યાત્રા પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન સોમનાથ ટ્રસ્ટના અધિકારી દ્વારા કરવામાં આવેલું હતું.જેમાં અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઑ પણ જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ મધ્યાહનમાં પણ મહાદેવને પાઘ પહેરાવીને ખાસ શૃંગાર કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ સાંજે ઋષિ- નાગ શૃંગાર કરવામાં આવ્યો હતો.જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.સોમનાથ મંદિરની સાથે જુના સોમનાથ એટલે કે અહલ્યાબાઈ મંદિરે પણ આવી જ રીતે સમગ્ર દિવસ દરમિયાન ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.
પ્રથમ સોમવારે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે મહાદેવના દર્શન કરી જણાવ્યું હતું કે આજે મહાદેવના દર્શન અને આરતી કરવાનો મોકો મળ્યો છે ત્યારે પોતાને હું ભાગ્યશાળી સમજુ છું.સોમનાથ દાદાના રક્ષક વીર હમીરસિંહજી ગોહિલને પણ નમન કરું છું જેમના લીધે અમે આજે છીએ અને ખાસ કરીને આપણે સારા નાગરિક તરીકેની ફરજ બજાવવી જોઈએ અને ભાવનગરના દરેક નાગરિક માટે દેશ સૌથી પહેલા જ હોય છે.






