હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 12 લોકોનાં મોત થયા છે અને 400થી વધુ માર્ગો બ્લોક કરવાની ફરજ પડી છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદે તરખાટ મચાવ્યો છે. વરસાદને લગતી ઘટનાઓમાં 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે.
શિમલામાં પણ અનેક સ્થળોએ ભૂસ્ખલન અને ઝાડ પડવાને કારણે અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. કેટલાક મકાનોમાં તિરાડો પડી ગઇ છે જેના કારણે સાવચેતીના પગલા રૂપે તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ચાલુ મહિનામાં વરસાદ આધારિત ઘટનાઓમાં 80 લોકોનાં મોત થયા છે. 24 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની પગલે હિમાચલના છ જિલ્લાઓ કાંગ્રા, કુલ્લુ, મંડી, શિમલા, સોલન અને સિરમોરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. હિમાચલમાં બે મહિનામાં 12100થી વધુ મકાનોને નુકસાન થયું છે અથવા ધરાશયી થયા છે.
			
                                
                                



