સુપ્રીમ કોર્ટે કાયદાને મહાન પ્રોફેશન ગણાવતા સવાલ ઉઠાવ્યો કે ‘શું કોઇ ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય છે. આટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે રાજ્ય બાર કાઉન્સિલમાં નોંધણી પર ફોજદારી દોષિત ઠરાવની અસર પર સવાલ પૂછ્યો છે.’ સુપ્રીમ કોર્ટે આ સવાલ વર્ષ 2002ના ગુજરાત રમખાણ દરમિયાન બિલકિસ બાનુ સાથે સામુહિક દુષ્કર્મ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યામાં તમામ 11 દોષિતોને સજામાં છૂટ આપીને સમય પહેલા જેલમાંથી છોડી મુકવા વિરૂદ્ધ દાખલ અરજી પર સુનાવણી દરમિયાન ઉઠાવ્યો હતો.
જસ્ટિસ બી.વી.નારગત્ના અને ઉજ્જવલ ભુઇયાની પીઠે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે છોડી મુકાયેલા દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહ તરફથી સીનિયર વકીલ ઋષિ મલ્હોત્રાએ કહ્યું કે તેમના ક્લાયન્ટ હવે ગુજરાતમાં મોટર વાહન અકસ્માત ક્લેમમાં વકીલ તરીકે વકીલાત કરી રહ્યાં છે. જેની પર જસ્ટિસ ભુઇયાએ કહ્યું કે વકીલાત એક મહાન પ્રોફેશન ગણાય છે, એવામાં સવાલ ઉભો થાય છે કે રાજ્ય બાર કાઉન્સિલના એક વકીલના નોમિનેશન પર દોષિત ઠેરવ્યા બાદ શું પ્રભાવ પડે છે અને શું કોઇ દોષિત ઠેરવ્યા પછી પણ પ્રેક્ટિસ કરવાનું લાઇસન્સ આપી શકાય?. દોષિત તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે સજાનો ઉદ્દેશ્ય બદલો લેવાનો નથી પણ ગુનેગારને સુધારવા અને તેનું પુનર્વસન કરવાનો છે, તેમણે ક્લાયન્ટ રાધેશ્યામ શાહના આચરણને લઇને એક રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.
વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 15 વર્ષ કરતા વધુ સમય સુધી તે જેલમાં રહ્યાં છે જ્યારે નક્કી નિયમ અનુસાર 14 વર્ષની સજા પૂર્ણ કરવા અને સારા આચરણ બાદ સજામાં છૂટ મેળવીને આરોપી બહાર આવી શકે છે. સાથે જ કહ્યું કે દોષિતને છોડવામાં આવ્યે એક વર્ષ થઇ ગયો છે અને આ વચ્ચે તેના વિરૂદ્ધ કોઇ ફરિયાદ નોંધાઇ નથી. મહત્ત્વપૂર્ણ છે કે ગત વર્ષે 15 ઓગસ્ટે ગુજરાત સરકારે બિલકિસ બાનુના ગેન્ગરેપના દોષિતોને સજામાં છૂટ આપીને સમય પહેલા છોડી મુક્યા હતા. ગુજરાત સરકારના નિર્ણય વિરૂદ્ધ પીડિત બિલકિસ બાનુ સિવાય કેટલાક લોકો તરફથી અરજી દાખલ કરવામાં આવી છે.





