ગ્રીસથી સ્વદેશ પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શૉ કરીને બેંગલુરુ ખાતે આવેલા ઈસરો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ સૌથી પહેલા ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના ચીફ એસ.સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના કમાન્ડ સેન્ટરના મીટિંગ હોલમાં પહોંચ્યા. આ મિશનમાં સામેલ વૈજ્ઞાનિકો પણ હાજર હતા. જેઓએે મીટિંગ હોલમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધતા ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને ઐતિહાસિક ગણાવ્યું હતું.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, હું સાઉથ આફ્રિકામાં હતો અને પછી ગ્રીસ ગયો પણ મારુ મન તો તમારી સાથે જ હતું. તેઓએ હસતાં હસતાં કહ્યું કે, ક્યારેક તો લાગે છે કે તમારી સાથે હું અન્યાય કરું છું, કારણ કે ઉત્સાહ મારો છે ને ભોગવવું તમારે પડે છે. આજે પણ આટલી સવાર સવારમાં મેં તમને બધાને બોલાવી લીધા, તમને તકલીફ પડી હશે, પણ મને એમ હતું કે વહેલામાં વહેલી તકે અહીં આવીને તમને નમન કરું. જે બાદ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા પીએમ મોદી અચાનક ભાવુક થઈ ગયા. તેઓએ ચંદ્રયાન 3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોને નમન કર્યું.
એરપોર્ટથી ઈસરો હેડક્વાર્ટર સુધી રોડ શૉ
જે બાદ પીએમ મોદીએ બેંગલુરુમાં રોડ શૉ કર્યો. તેમને જોવા માટે રસ્તાઓ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોના હાથમાં તિરંગા અને પીએમ મોદીની તસવીરોવાળા પોસ્ટરો હતા. આ દરમિયાન રસ્તાઓ મોદી-મોદીના નારાથી ગુંજી ઊઠ્યા હતા.





