ભારતીય રાજકારણમાં ફરી એક વખત ‘વીક-એન્ડ’ ગરમાગરમ બને તેવા સંકેત છે. એક તરફ મુંબઈમાં ઈં.ગ.ઉ.ઈં.અ ની બેઠક અંગે તૈયારી માટે શરુ થઈ છે અને તેમાં ખાસ કરીને બેંગ્લોરમાં વિપક્ષોની બેઠક સમયે દિલ્હીમાં એનડીએનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેનો જવાબ આપવા મુંબઈમાં તા.31 ઓગષ્ટ- 1 સપ્ટે.ના યોજાનારી બેઠકમાં વધુ વિપક્ષોને સાથે કરવાના પ્રયાસમાં ઉતરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી માયાવતીએ ‘ફાચર’ મારી દીધી છે.
આજે માયાવતીએ ઉપરાછાપણી ત્રણ ટવીટ કરીને તે ધારાસભા કે લોકસભા ચૂંટણીમાં ‘ઈન્ડીયા’ કે એનડીએ કોઈ જોડાણ સાથે નહી જાય અને સ્વતંત્ર સુધી લડશે તેવી જાહેરાત કરી છે. તેઓએ આ વર્ષના અંત પુર્વે યોજાયેલી મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની ધારાસભા ચૂંટણી તથા 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી. માયાવતીએ ‘ઈન્ડીયા’ અને ‘એનડીએ’ બન્ને ગઠબંધનને ગરીબ વિરોધ તથા જાતિવાદી, સાંપ્રદાયિક તથા ધન્ના શેઠ- (મૂડીવાદી) ગણાવ્યા હતા.
માયાવતીએ આક્ષેપ કર્યો કે જો વિપક્ષ સાથે જઈએ તો ધર્મનિરપેક્ષ અને ન થઈએ તો ભાજપવાદી એવું અમારા માટે બોલાવે છે. વિપક્ષી ગઠબંધનની બેઠક પુર્વે જ માયાવતીની આ જાહેરાતની ખાસ કરીને ઉતરપ્રદેશમાં ભાજપના ઉમેદવાર સામે વિપક્ષનો એક ઉમેદવાર હોય તેવી ‘ઈન્ડીયા’ ગઠબંધનની તૈયારીને મોટો ફટકો પડશે. આ ઉપરાંત તે ચાર રાજયમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરીને કોંગ્રેસની વોટબેન્કમાં મોટું ગાબડુ પાડે તેવી શકયતા છે.
પંજાબમાં એક તરફ આમ આદમી પાર્ટી સાથે કોઈ જોડાણ કરવા કોંગ્રેસમાં જબરો વિરોધ છે તે સમયે ભાજપથી અલગ પડેલા અકાલીદળને ‘ઈન્ડીયા’ ગઠબંધનમાં જોડાવા માટે પ્રયાસ શરૂ થયા છે. જો કે જે રીતે રાજયમાં ‘આપ’ દ્વારા કોંગ્રેસ તથા અકાલીદળ બન્નેનો કચ્ચરઘાણ કર્યો છે તે પછી અકાલીદળ આ પક્ષો સાથે જોડાય તેના પર પ્રશ્ન છે.
વિપક્ષોના ગઠબંધનમાં હજુ કેટલા પક્ષો છેલ્લે સુધી રહેશે તે પણ પ્રશ્ન છે અને વડાપ્રધાન પદના દાવેદારમાં અનેક હરીફો છે તેમાં મુંબઈ બેઠક પુર્વે જ આમ આદમી પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ જોડાણના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા માંગે છે. ‘આપ’ના રાષ્ટ્રીય પ્રવકતા પ્રિયંકા કકકડે આ માંગ કરી છે. આમ પક્ષના સતાધાર પ્રવકતા કઈ બોલે તો તેઓ કેજરીવાલની મુક સંમતી હોઈ શકે છે તે ચર્ચા શરૂ થઈ છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠા નેતા શરદ પવાર અને તેના ભત્રીજા અજીત પવાર સતત સસ્પેન્સ સર્જી રહ્યા છે. અજીત પવારે ભાજપ-શિવસેનાના બાગી જૂથ સાથે હાથ મિલાવ્યા અને પછી નાયબ મુખ્યમંત્રી બની ગયા છતાં શરદ પવાર સાથેના સંબંધો અકબંધ છે. બન્ને એમ દાવો કરે છે કે એનસીપીમાં કોઈ ભાગલા પડયા નથી કે પક્ષમાં કોઈ ‘બાગી’ નથી. બન્ને વચ્ચે નિયમીત મુલાકાતો યોજાય છે અને હવે શરદ પવાર આગામી સમયમાં તેના ભતિજાના માર્ગે ભાજપ સાથે જોડાય છે કે પછી ભતિજો આખરી ઘડીએ ‘કાકા’ના પ્લાનમાં સામેલ થાય છે તેની રસપ્રદ ચર્ચા છે.