ચીને તાજેતરમાં ‘સ્ટાન્ડર્ડ મેપ ઓફ ચાઇના’ ની 2023 આવૃત્તિ બહાર પાડી, જેમાં તેણે અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને તેના ભાગ તરીકે દર્શાવ્યું છે. ભારતે તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રી જયશંકર પ્રસાદે આને ચીનની જૂની આદત ગણાવીને કહ્યું કે, માત્ર વાહિયાત દાવા કરવાથી અન્ય લોકોના પ્રદેશો તમારા નથી બની જતા. ભારતના જડબાતોડ જવાબ બાદ ચીને પ્રતિક્રિયા આપી છે. ચીને તેને “કાયદા અનુસાર સાર્વભૌમત્વની સામાન્ય કવાયત” તરીકે વર્ણવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું, 28 ઓગસ્ટના રોજ પ્રાકૃતિક સંસાધન મંત્રાલયે 2023નો માનક નકશો જાહેર કર્યો. કાનૂની સાર્વભૌમત્વ પ્રક્રિયાના ભાગરૂપે ચીનમાં આ નિયમિત પ્રથા છે. અમે આશા રાખીએ છીએ કે સંબંધિત પક્ષો આ મુદ્દા પર ઉદ્દેશ્ય રહેશે અને શાંતિથી કામ કરશે. સંબંધિત પક્ષોએ આ મુદ્દાનું વધુ પડતું અર્થઘટન ટાળવું જોઈએ.
વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના નવા ‘નકશા’ને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. જયશંકરે કહ્યું કે, આ પ્રકારના નકશા જાહેર કરવા ચીનની જૂની આદત છે. તેમના દાવાઓથી કંઈ થતું નથી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ચીને નકશામાં જે વિસ્તારોને પોતાના તરીકે દર્શાવ્યા છે, તે તેમનો નથી. આવું કરવું ચીનની જૂની આદત છે. અક્સાઈ ચીન અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે. આ પહેલા પણ ચીન ભારતના ભાગોને લઈને નકશા બહાર પાડી રહ્યું છે. તેના દાવાઓથી કંઈ થતું નથી. અમારી સરકારનું વલણ સ્પષ્ટ છે. નકામા દાવા કરવાથી એવું થતું નથી કે, બીજાના વિસ્તારો તમારો થઈ જશે