ચોમાસાની ઋતુમાં પણ ખુબ તડકો દેખાઈ રહ્યો છે અને વરસાદની રાહ લાંબી થતી જઈ રહી છે. જો કે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યંત ધીમા વરસાદની ગતિવિધિઓ ફરી વેગ પકડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે દાયકાઓ પછી ઓગસ્ટમાં વરસાદનો આટલો અભાવ જોવા મળ્યો છે.
હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ માનસૂન અઠવાડિયાના અંતમાં ફરી સક્રિય થઈ શકે છે અને દેશના મધ્ય અને દક્ષિણ રાજ્યોમાં વરસાદ લાવી શકે છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશકે કહ્યું કે સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જો કે તેમણે જણાવ્યું હતું કે જો સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડે તો પણ જૂનથી સપ્ટેમ્બરના સત્ર દરમિયાન નોંધાયેલો સરેરાશ વરસાદ સિઝનના સામાન્ય વરસાદ કરતાં ઓછો રહેવાનો અંદાજ છે. ઓગસ્ટમાં વરસાદના અભાવ પાછળનું સૌથી મોટું કારણ વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સ્થિતિનું નિર્માણ છે.
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશકે વધુમાં જણાવતા કહ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયાઈ સપાટીના તાપમાનમાં તફાવત હવે ‘પોઝિટિવ’ થવા લાગ્યો છે, જે અલ નીનોની અસરને ઉલટાવી શકે છે. પૂર્વ દિશામાં આગળ વધતા વાદળો અને ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં વરસાદ ચોમાસાને ફરીથી દસ્તક આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.





