અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશના પહેલા હાઈ સ્પીડ કોરિડોર (બુલેટટ્રેન) પ્રોજેકટની કામગીરી પુરઝડપે ચાલી રહી છે, આખા પ્રોજેકટની કામગીરીમાં મહત્વનું પગલું આગળ વધારાયું છે. ટ્રેન માટેના ટ્રેક બિછાવવા માટેનું કામ પણ શરૂ કરી દેવાયુ છે. નવસારીના પડઘા પાસેથી આ કામગીરી શરૂ કરી હોવાની જાહેરાત કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટવીટ દ્વારા કરી હતી.
વડાપ્રધાન મોદીના મહત્વાકાંક્ષી ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેકટમાં મહત્વની વિગતો સામે આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ટ્રેક બિછાવાની કામગીરીનો નવસારી પાસેથી શ્રી ગણેશ કરાયા છે. એટલું જ નહી દેશમાં પહેલી વખત 7-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું કેન્દ્રીય રેલ મંત્રીનું કહેવું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટવીટર ઉપર માહિતી આપવાની સાથે એક વિડીયો પણ રિલીઝ કર્યો છે, તેમાં આ હાઈસ્પીડ કોરિડોરની કામગીરીનું વિહંગાવલોકન પણ દર્શાવાયુ છે.
આ બુલેટ ટ્રેનમાં સરેરાશ 300 કી.મી. પ્રતિ કલાકની સ્પીડે જે શિંકાસેન ટ્રેન દોડાવાશે તેના માટેના ટ્રેક બિછાવવા માટેની ટેકનીકલ ખાસીયતો કેવી હશે, તેની પણ માહિતી તેમણે ટવીટરના માધ્યમથી જાહેર કરી હતી. અત્યારસુધી આ પ્રોજેકટમાં પાઈલિંગ, પિઅર અને હવે સુપર સ્ટ્રકચરનું કામ પણ ખાસ કરીને ગુજરાતમાં આવતા હિસ્સામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલે સુપર સ્ટ્રકચર ઉપર આ ટ્રેક બિછાવવા માટેનું સંપૂર્ણ કામ જે ગુજરાતમાં આવતા હિસ્સામાં આવે છે. તે માટેના કરારો કરી દેવામાં આવ્યા છે. હાલમાં, ટ્રેકના કામ માટે સામગ્રીની ખરીદી અગ્રીમ તબકકામાં છે.
જાપાનમાંથી 14000 મેટ્રીક ટનથી વધારે જેઆઈએસ રેલ, કાસ્ટીંગ ટ્રેક સ્લેબ માટે 50 મોલ્ડ મળી ચૂકયા છે. ટ્રેક સ્લેબનું ઉત્પાદન આ માટેની ફેકટરીઓમાં થવાનું છે અને આવી બે ફેકટરીઓ શરૂ થઈ ચૂકી છે. આ ફેકટરીઓ હાઈસ્પીડ રેલ ટ્રેકના નિર્માણ માટે ચોકકસ સ્લેબ બનાવવા માટે સૌથી વધુ વ્યવહાર દક્ષ અને અત્યાધુનિક ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓથી સક્ષમ છે, તેવું આ પ્રોજેકટ સાથે સંકળાયેલા વર્તુળોનું કહેવું છે.





