શહેરના સરથાણા વિસ્તારમાં ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીની કારને આંતરી કરોડોની કિંમતના હીરા લૂંટ કેસમાં ગુનાનો ભેદ સુરત અને જિલ્લા પોલીસ દ્વારા માત્ર ત્રણ કલાકની અંદર ઉકેલી આરોપીઓને દબોચી લેવાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 4.58 કરોડની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ પાસેથી આરોપીઓનો કબ્જો મેળવી આગળની તપાસ સુરત પોલીસે હાથ ધરી હતી. જે અંગે આજ રોજ સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લૂંટની આ ઘટના બનતાની સાથે જિલ્લા પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. રાજ્યની પોલીસ સાથે પણ સુરત પોલીસ સતત સંકલનમાં હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓના લોકેશન ચેસ કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ સાથે સંકલન સાંજે આરોપીઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ ચેકપોસ્ટ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
લૂંટની ઘટનાને અંજામ આપી ફોર વ્હીલ કારમાં ભાગી રહેલા આરોપીઓને ઝડપી પાડી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. લૂંટની ઘટનામાં પાંચ આરોપીઓ પાસેથી પોલીસે 4,58,41,380 રૂપિયાની મત્તાના અલગ અલગ હીરાના પાર્સલો, એક પિસ્તોલ, દેશી હાથ બનાવટનો કટ્ટો, ચાર જીવતા કાર્ટિઝ અને એક ઇકો ફોર વ્હીલ કાર સહિત પાંચ મોબાઇલ મળી કુલ 5.23 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ રાહુલ ઉત્તમ વાઘમારે, રાજકુમાર ગિરધારી ઉકે, જીતેન્દ્રકુમાર બદ્રીનાથ તિવારી, પ્રમોદ પ્રભાકર જટાર અને મોહમ્મદ સૈયદ અલાઉદ્દીન ખાનની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી. જે આરોપીઓમાં મુખ્ય આરોપી તરીકે પ્રમોદ ઉર્ફે પામ્યા પ્રભાકર જઠારની લૂંટની ઘટનામાં મહત્વની ભૂમિકા સામે આવી હતી.
તમામ આરોપીઓ ગુજરાત બહારના છે. જેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ દ્વારા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આરોપી રાહુલ ઉત્તમ વાઘમારે મહારાષ્ટ્ર અને નાગપુરમાં અગાઉ ચાર જેટલા ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે આરોપી રાજકુમાર ગિરધારી ઉર્ફે મુંબઈના મુલુન્દ અને વડાલા તેમજ નાનવથી પોલીસના હાથે ત્રણ જેટલા ગુનામાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. તેવી જ રીતે આરોપી જીતેન્દ્ર બદ્રીનાાથ તિવારીની મુંબઈ વિકરોલી, બરગાવ વારાણસી અને ડીસીબી cid પોલીસમાં મથકમાં અલગ અલગ ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે.
ઉપરાંત પ્રમોદ પ્રભાકર જટાર પણ મુંબઈના નાલાસોપારા, ડોંડોશી અને નિર્મળનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં હત્યાનાા ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં એક ઇકો ફોર વ્હીલનો કાર ચાલક છે. આરોપીઓની ધરપકડ બાદ વેપારીઓની સાથે પોલીસે પણ સંતોષ માણીઓ છે. હાલ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ સુરત પોલીસ દ્વારા આંગડિયા પેઢી અને વેપારીઓ સાથે આવી ઘટનાને લઇ મિટિંગ યોજાય હતી. જે મિટિંગ બાદ ખૂબ જ સાવચેતી વેપારીઓ અને આંગડિયા પેઢી દ્વારા રાખવામાં આવી રહી છે. જ્યાં આગામી દિવસોમાં ફરી આ મિટિંગ બોલાવવામાં આવશે.






