મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના ઘટી છે, જેમાં 7 શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, શ્રમિકો 40 માળની બિલ્ડિંગની ઉપર વોટર પ્રૂફિંગનું કામ કરીને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા. આ દરમિયાન લિફ્ટ તુટી પડતા ભારે અફરા-તફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લિફ્ટમાં કુલ 7 શ્રમિકો હતા અને તે તમામના મૃત્યુ નિપજ્યાં છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું, ‘થાણેમાં લિફ્ટ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.’