જમ્મુ કાશ્મીર ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બારામુલ્લા પોલીસને સફળતા મળી છે અને તેમણે એક આતંકવાદી ભરતી મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન લશ્કરના 3 આતંકી સહયોગીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 3 હાથ ગોળા, 30 એકે 47 સહિત આપત્તિજનક સામગ્રી જપ્ત કરી છે. પીએસ ક્રેરીમાં યૂએ (પી) અને આર્મ્સ એક્ટની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ વિરૂદ્ધ એક્શન લેવામાં આવી રહ્યું છે. કેટલાક આતંકી માર્યા ગયા છે તો કેટલાક પાકિસ્તાનમાં શરણ લઇ રહ્યાં છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આતંકીઓ વિરૂદ્ધ ચેતવણી જાહેર કરી હતી. દિલબાગ સિંહે કહ્યું હતું કે આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે અને તેમણે સરહદ પાર પણ શાંતિથી રહેવા દેવામાં નહીં આવે. સુરક્ષાદળોએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકીઓના ત્રણ ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી હતી.
આ ત્રણેય લશ્કર-એ-તૈયબાના એક મૉડ્યૂલ સાથે જોડાયેલા હતા. પોલીસના સૂત્રોનું કહેવું છે કે લશ્કરના એક મૉડ્યૂલે વિસ્તારમાં ષડયંત્ર રચ્યું છે. જાણકારી મળતા જ પોલીસે સુરક્ષા વધારી દીધી હતી. આ દરમિયાન ચક ટપ્પરથી ક્રીરી તરફ ચાલતા જતા ત્રણ લોકોની ગતિવિધિ શંકાસ્પદ જોવા મળી હતી. આ જોઇને નાકા પર તૈનાત જવાન સાવચેત થઇ ગયા હતા. શંકાસ્પદોએ સુરક્ષાદળોથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જવાનોએ ત્રણેયને પકડી લીધા હતા, તેમની પાસેથી કારતૂસ અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા હતા. પકડાયેલા ઓજીડબલ્યૂમાં લતીફ અહેમદ દાર, શોકત અહેમદ લોન અને ઇશરત રસૂલ સામેલ છે. શોકત પાસેથી એક ચીની ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યું છે જ્યારે લતીફ પાસેથી બે ગ્રેનેડ અને ઇશરત પાસેથી એકે-47 અને 30 કારતૂસ મળ્યા છે. પોલીસે ત્રણેય વિરૂદ્ધ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જાણકારી આપી કે સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનમાં રહેતા આતંકીઓની જમ્મુ કાશ્મીરમાં સંપત્તિઓ જપ્ત કરવાનું પહેલાથી શરૂ કરી દીધુ છે, તેમણે કહ્યું કે આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.






