આફ્રિકન દેશ લિબિયામાં તોફાન અને પૂરે ભયંકર તબાહી મચાવી છે. હરિકેન ડેનિયલને કારણે વિનાશક પૂર આવ્યું છે. જેના કારણે 2000થી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધુ વિનાશ પૂર્વીય ક્ષેત્રમાં થયો છે. વાવાઝોડાને કારણે બહુમાળી ઇમારતો કાદવમાં ધસી પડી હતી. સૌથી વધુ વિનાશ ડેરનામાં થયો છે. ઘણા લોકો પાણીમાં તણાઈ ગયા છે અને હજારો લોકો લાપતા છે. તુર્કીએ લીબિયામાં રેસ્ક્યુ ટીમ અને મદદ માટે 3 પ્લેન મોકલ્યા છે. પૂર્વી લિબિયન સૈન્યના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડેરના શહેરમાં પૂરને કારણે લગભગ 2,000 થી વધુ લોકોના મોત થયા છે અને 5,000 થી 6,000 લોકો લાપતા થયા છે.
પૂર્વી લિબિયાના વડાપ્રધાન ઓસામા હમાદે આ ઘટના અંગે જણાવ્યું કે, ડેરના શહેરમાં ભારે પૂરને કારણે વિનાશક સ્થિતિનું સર્જન થયું છે. અહીં અત્યાર સુધીમાં 2,000 લોકોના મોતની આશંકા છે, અને 5 થી 6 લોકો લાપતા થયાની સંભાવના છે. ભૂમધ્ય વાવાઝોડું ડેનિયલના કારણે તટવર્તી શહેર ડેરનાને ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે. મુશળધાર વરસાદને કારણે લિબિયામાં પરિસ્થિતિ ભયાવહ છે.
પૂર્વી લિબિયનના વડાપ્રધાને ગઈકાલે સર્જાયેલ દુર્ઘટના અનુસંધાને ત્રણ દિવસના શોકની જાહેરાત કરી હતી અને દેશભરમાં રાષ્ટ્રધ્વજોને અડધી કાઠીએ કરી દેવાના આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તેમની સરકારે શનિવારે જ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. વાવાઝોડા પહેલા સાવચેતીના ભાગરૂપે શાળાઓ પહેલેથી જ બંધ કરવામાં આવી હતી.
પૂરના કારણે પૂર્વી લિબિયાના ઘણા શહેરોમાં મકાનો અને અન્ય સંપત્તિઓ નાશ પામી છે. સરકારે શનિવારે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી અને રાતોરાત ત્રાટકેલા વાવાઝોડા પહેલા સાવચેતીના પગલા તરીકે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી. દેશના હવામાન અધિકારીઓએ સંભવિત વરસાદ અને ખરાબ હવામાનની ચેતવણી આપી છે.





