પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભાદરવી અમાસ નિમિત્તે ભાવનગર તાલુકાના કોળીયાક ગામે આવેલ નિષ્કલંક મહાદેવના દરિયે પરંપરાગત ભાદરવી અમાસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે ગુરુવારે સાંજથી જ લોકમેળાનો પ્રારંભ થઈ જશે અને શુક્રવારે ભાદરવી અમાસના દિવસે ભાવનગર શહેર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરના લાખો ભાવિકો દરિયામાં સ્નાન કરી નિષ્કલંક બનશે. આ દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભાદરવી અમાસ નિમિત્તે કોળીયાક ખાતે આવેલ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત લોકમેળાનું આયોજન કરાય છે આ દિવસે લોકવાયકા પ્રમાણે ભાવિકો દરિયામાં સ્નાન કરી નિષ્કલંક બને છે જેથી આ લોકમેળાનું મહત્વ અનેરૂ હોય છે. આવતીકાલ તારીખ ૧૪ને ગુરુવારે સાંજથી જ નિષ્કલંકના સાનિધ્યમાં લોકમેળાનો પ્રારંભ થશે અને રાત્રી દરમિયાન હજારો, લાખો લોકો લોકમેળાને માણી સવારે તંત્રની સૂચના બાદ પવિત્ર સ્નાન કરી પાવન થશે.
લોક વાયકા પ્રમાણે કુરૂક્ષે્ત્રના યુદ્ધ બાદ પોતાના સ્વજનોની હત્યાનુ લાગેલુ કલંક દૂર કરવા પાંડવો હાથમાં કાળી ધજા લઈ ભારત ભ્રમણે નીકળ્યા હતા અને તેઓ કોળીયાક પહોંચતા જ તેમની કાળી ધજા શ્વેત થઈ જવા પામી હતી. આથી અહીંયા તેઓ નિષ્કલંક બન્યા હોવાનું માની દરિયામાં સ્નાન કરી દરિયાની વચ્ચે જ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું નામ નિષ્કલંક મહાદેવ રાખવામાં આવ્યું હતું. ત્યારથી આ દરિયામાં સ્નાન કરનાર લોકોના પાપ ધોવાઈ જાય છે તેવી એક માન્યતા રહેલી છે ભાદરવી અમાસના દિવસે અહીંયા પરંપરાગત લોકમેળો યોજાય છે જેમાં સમગ્ર દેશભરમાંથી લાખો લોકો આવે છે અને પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આ લોક મેળા માટે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવે છે.
ભાદરવી અમાસના મેળા માટે એસ.ટી.ની ૭૦ વધારાની બસ દોડશે
કોળિયાકના ઐતિહાસિક ભાદરવી અમાસના મેળા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા ૭૦ જેટલી એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે. આગલી રાત્રિથી મેળો પુરો થાય ત્યાં સુધી વિશેષ ભાડા સાથે એસ.ટી.ની બસો ભાવિકો-શ્રધ્ધાળુઓને લાવવા-લઈ જવાની સુવિધા પુરી પાડશે. આ માટે એસ.ટી. તંત્રે પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ડ્રાઈવર-કંડક્ટર અને અધિકારીઓને કોળિયાક મેળા માટે જવાબદારીઓ ફિક્સ કરી સોંપી દેવામાં આવી છે.
એસ.ટી. તંત્ર દ્વારા તા.૧૪-૯ અને તા.૧૫-૯ના રોજ કોળિયાકના લોકમેળા માટે સતત એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ગુરૂવારે રાત્રિથી આ બસો શુક્રવારે મેળો પુરો થાય ત્યાં સુધી શ્રધ્ધાળુઓને લાવવા-લઈ જવા માટે દોડતી રહેશે. ભાવનગર એસ.ટી. ડેપો, ઘોઘાજકાતનાકા, આડી સડક, પીપળિયા પુલ ખાતે પીકઅપ પોઈન્ટ ઉભા કરવામાં આવશે. વિભાગીય નિયામક, ડીટીઓના મોનિટરીંગ હેઠળ ડેપો મેનેજરો, સુપરવાઈઝર અને અન્ય અધિકારી-કર્મચારીઓને સુચારૂ આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે.
નિષ્કલંક મહાદેવના મેળામાં આવતા વાહનોને પ્રવેશબંધી
તા.૧૪, ૧૫નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરીયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મેળો યોજાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ વાહન દ્વારા આવતા હોય છે અને આ સ્થળે જવાનો રોડ ઘણો સાંકડો હોય, જેથી આ મેળા દરમ્યાન ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માતો નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન કરવા કોળીયાક નિષ્કલંક મહાદેવનાં મેળામાં આવતા વાહનોને પ્રવેશબંધી કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની કરાયેલ દરખાસ્તના અનુસંધાને અધિક જિલ્લા મેજિ.એ તા.૧૪ અને ૧૫ બે દિવસ માટે ટ્રાફીક નિયમન માટે જાહેરનામુ બહાર પાડેલ છે જેમાં ભાવનગર તરફથી આવતા તમામ ખાનગી વાહનો ઘોઘા આડી સડકથી કોળીયાક તરફ આગળ જવા પર તેમજ અલંગ, લાખણકા તરફથી આવતા વાહનો મલેકવદર, હાથબ, ત્રણ રસ્તાથી આગળ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
ઓટલાથી ઉતરીને પાણી આગળ જતું રહે ત્યારબાદ દરિયામાં સ્નાન કરવા તંત્રની તાકીદ
ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન તાબાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરીયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મોટો મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ફુલ (અસ્થિ) ૫ધરાવવા તથા દરિયા સ્નાન કરવા માટે આવે છે. આ દરીયામાં નિષ્કલંક મહાદેવનાં ઓટા પાસે જમણી બાજુમાં પાણીમાં ગંભીર વમળ હોય છે, જેના લીધે સને-૧૯૭૭ માં ૧૭ માણસોનાં ડુબી જવાથી મૃત્યુ થયેલ છે.
જેથી આ વર્ષે દરીયામાં સ્નાન કરવા માટે લોકો દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે ત્યાર પહેલાં દરીયામાં સ્નાન કરવા ન જાય તે અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૧૪ તથા તા.૧૫ દિન-૨ માટે પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા તા.૧૪ તથા તા.૧૫ બંને દિવસોએ કોળીયાક, તા.જિ.ભાવનગરનાં નિષ્કલંક મહાદેવના દરીયામાં, દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવનાં સ્થાનકથી ઉતરીને આગળ જતુ રહે ત્યાર પહેલા દરીયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
તકલીફ પડે તો યાત્રીકોએ આ નંબર પર ફોન કરવો
ભાવનગર તાલુકા ગુંદી કોળીયાક ગામ નિષ્કલંક મહાદેવ દરિયા રોડ વનમાં ભાદરવી અમાસ નો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પાંચ લાખની આસપાસ યાત્રાળુ દર્શન કરી સ્નાન કરશે અને મેળાની મોજ માણશે.તા.૧૪ અને ૧૫ ચોવીસ કલાક દરમિયાન ટ્રાફિક હોય કે નિર્દોષ માણસોને કોઈ પરેશાન કરતા હોય અથવા કોઇપણ જાતની તકલીફ જણાય. બસમાં કઈ અગવડતા હોય તો ઘોઘા પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમ ઃ ઃ- ૦૨૭૮ – ૨૮૮૨૩૩૩, ઘોઘા પીએસઆઇ વાઘેલા ૯૮૨૫૪૬૨૧૨૫, કોળીયાક આઉટ પોસ્ટ જમાદાર અશ્વિનસિંહ ૯૪૨૬૪૫૪૨૬૫, કોળીયાક ગ્રામના સરપંચ જગદીશભાઈ સોલંકી ૯૫૭૪૫૫૫૭૦૭,૯૮૭૦૦૦૩૧૬૬, ગુંદી ગામના સરપંચ વિપુલભાઈ સોલંકી ૭૬૨૩૮૪૭૩૭૩, કોળીયાક ગ્રામ પંચાયતના તલાટી મંત્રી કે.જી.વાઘેલા ૯૬૨૪૬૧૮૬૮૭, અનસારઅલી કાનાણી પ્રેસ પ્રતિનિધિ કોળીયાક ૯૮૨૪૩૫૭૮૮૯ ઉપર સંપર્ક કરવો. ખીસા કાતરુથી સાવધાન રહેવા કોળીયાક તથા ગુંદી ગામના સરપંચ દ્વારા જણાવાયું છે