અમદાવાદ એરપોર્ટ પર દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અચાનક કેન્સલ કરી દેવામાં આવી હતી જેને કારણે આ ફ્લાઇટથી દિલ્હી અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઇટથી યુ.કે.કેનેડા કે અમેરિકા જનારા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. એર ઇન્ડિયાના ઓફિસર દ્વારા મુસાફરોને કહેવામાં આવ્યું કે અમારા પાયલોટના કામ કરવાના કલાકો પુરા થયા છે જેને કારણે હવે ફ્લાઇટ નહીં ઉપડે. દિલ્હી સુધીની ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોને થયેલા નુકસાનને બદલે લેખિતમાં રીફંડની ખાતરી પણ આપવામાં આવી નહતી.
એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ થતા એક મુસાફરે કહ્યું કે, 12 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે અમદાવાદથી દિલ્હીની મારી ફ્લાઇટ હતી. આ ફ્લાઇટથી દિલ્હી પહોંચ્યા બાદ ત્યાંથી એર ઇન્ડિયાની કનેક્ટિંગ ફ્લાઇટ કેનેડાની હતી. દિલ્હીથી 13 સપ્ટેમ્બરે સવારે પાંચ વાગ્યાની કેનેડાની ફ્લાઇટ હતી. અનેક મુસાફર અને વિદ્યાર્થીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા પછી ફ્લાઇટ અચાનક કેન્સલ થઇ ગઇ હોવાનું કહેવામાં આવ્યું હતું. ફ્લાઇટ કેન્સલ કરવા પાછળનું કારણ આપવામાં આવ્યું કે- અમારા ફ્લાઇટના કામના કલાકો એટલે કે ફ્લાઇંગ અવર્સ (ઉડવાના કલાકો) પુરા થઇ ગયા છે.અમારી પાસે હાલ બીજો કોઇ પાયલોટ નથી.
દિલ્હીની ફ્લાઇટ કેન્સલ થતા દિલ્હીથી કેનેડા, અમેરિકા, યુ.કે સહિતના દેશમાં જતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. મુસાફરોએ ફ્લાઇટ રિશિડ્યૂલ કરવાની માંગ કરી હતી પરંતુ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે હવે રિશિડ્યૂલ નહીં થઇ શકે. સવારે પણ કોઇ ફ્લાઇટ ઉપડશે કે નહીં તે નક્કી નથી. સ્ટાફ દ્વારા અમદાવાદ બહારના દિલ્હી કે અન્ય શહેરોના મુસાફરોને હોટલ-રહેવાની વ્યવસ્થા માટે જણાવાયુ હતુ પરંતુ અમદાવાદના મુસાફરોને ઘરે જતા રહેવા કહેવામાં આવ્યું હતું. જ્યારે મુસાફરોએ ફ્લાઇટ કેન્સલ થવાનું કારણ અને રીફંડ માટે લેખિતમાં આપવા માંગ કરી ત્યારે સ્ટાફે ચોખ્ખી ના પાડી દીધી રહતી. આ ફ્લાઇટ કેન્સલ થતાં રીફંડ આપવાની તેમજ અન્ય બીજી ફ્લાઇટના બુકિંગમાં સરભર કરી આપવા માટે સ્ટાફે મૌખિક ખાત્રી આપી હતી.