ભાવનગર મહાપાલીકાના નવનિયુક્તો સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયાએ આજે નિમણૂકના ત્રીજા દિવસે સવારે કુંભારવાડા વોર્ડમાં કમિશનર અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓને સાથે લઈ મોર્નિંગ વોક કરી હતી અને સફાઈ કર્મચારીઓને મળી જરૂરી સુચનાઓ આપી સંવાદ સાધી સઘન સફાઈ અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. આ તકે સ્થાનિક નાગરિકોને પણ ચેરમેન મળ્યા હતા અને સંવાદ કર્યા હતા. આમ, નવનિયુક્ત ચેરમેન એક્શન મોડમાં આવી ગયા છે તો બીજી બાજુ ભાવનગરમાં ઢગલાબંધ સમસ્યાઓ ઉકેલ માંગી રહી છે, પ્રમાણિક અને ઉત્સાહી ચેરમેન પાસે લોકો સમસ્યાનો અંત ઈચ્છી રહ્યા છે.
ભાવનગરમાં જાહેર રોડ રસ્તાની હાલત દયનીય છે, ઓગસ્ટ માસ આખો વરસાદ વગર કોરો ગયો છતાં તંત્ર દ્વારા અપેક્ષા મુજબની કામગીરી થઈ શકી નથી. નવી ટેકનોલોજી અપનાવી કોલ્ડ મિકસ ડામર દ્વારા ખાડા પૂરવાની કામગીરી વખાણી એટલી નીવડી નથી. એક જ મશીનથી ગોકળ ગાયની ગતિએ કામ થઈ રહ્યું છે. બીજી બાજુ આખો મહિનો કોરો ધાકોડ રહ્યો છતાં ચોક્કસ કોઈ કારણોસર તંત્રએ ડામરનું પેચ વર્ક સુદ્ધાં કર્યું નથી. કમિશનર અને કોર્પોરેશન તંત્રની નિરસતા લોકોને ઉડીને આંખે વળગી છે! આંતરિક કારણોસર તંત્રનું આ વલણ હોવાનું ભારે ચર્ચા છે. જોકે, હવે સુકાનીઓ બદલાયા છે ખાસ કરીને સ્ટેન્ડિંગ ચેરમેન પદે રાજુ રાબડીયાની નિમણૂક બાદ તુરંત જ તેમણે સાંજે જ અધિકારીઓ સાથે રીવ્યુ મીટીંગ કરી કામ ન કરવું હોય, કામ ન થતું હોય તો જગ્યા કરી આપે તેમ અધિકારીઓને રોકડું પરખાવી દીધું હતું, તેમજ કોઈ હડલ્સ હોય તો નિવારવા ખાતરી પણ આપી હતી.
દરમિયાનમાં આજે કુંભારવાડા વોર્ડમાં રાઉન્ડ દરમિયાન કમિશનર સાથે ચર્ચા કરી રોડનું પ્લાનિંગ માંગ્યું હતું, ચેરમેન રાબડીયાએ જણાવ્યું હતું કે શહેરમાં ખાડા પુરવા ઝડપથી ડામરનું પેચ વર્ક હાથ ધરાશે. આ ઉપરાંત તમામ 31 વિભાગોને પોતાના હસ્તકની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવા ચેરમેનને જણાવ્યું છે અને આગામી દિવસોમાં વિભાગ વાઇઝ પ્રેઝન્ટેશન નિહાળી ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપશે. ચેરમેન રાબડીયાએ ઉમેર્યું હતું કે પ્રામાણિકતાના પાયા ઉપર અઢી વર્ષ કામ કરવાનો મારો મક્કમ નિર્ધાર છે.
ટેન્ડરની જોગવાઇ મુજબ કામ લેવાશે, બાંધ છોડ નહિ થાય : ચેરમેન
ભાવનગર મહાનગરપાલિકામાં ચોક્કસ કોન્ટ્રાક્ટરો તથા એજન્સી તંત્ર વાહકો અને શાસકોને ખીસામાં લઈ ફરતી હોય તેમ વિકાસ કામોના ટેન્ડરો ડાઉન ભાવે મેળવ્યા બાદ સમયસર કામ કરતી નથી, ઉપરાંત કામની ગુણવત્તા પણ જળવાતી નથી. વિકાસના કામના એકના એક ટેન્ડરમાં સમય મર્યાદા વધારવા વારંવાર દરખાસ્તો આવતી રહે છે અને શાસકો પણ દલા તરવાડી વાળી કરી છૂટ આપતા રહેતા હોય છે. ભાવનગરમાં આ પદ્ધતિ ખાસા સમયથી ચર્ચાસ્પદ બની છે આવી નીતીના કારણે વિકાસના કામમાં ભલીવાર રહેતી નથી ત્યારે નવનિયુક્ત સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયાએ ટેન્ડરમાં જોગવાઈ મુજબ કામ લેવામાં આવશે તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. ચેરમેન રાજુ રાબડીયાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે ક્વોલિટી અને સમય મર્યાદામાં બાંધછોડ કરવામાં નહીં આવે. ટેન્ડરમાં જોગવાઈ મુજબ જ કામ લેવામાં આવશે કોઈની પણ ઢીલી નીતિ નહીં ચલાવાય