નિપાહ વાયરસના કારણે કેરળમાં ગભરાટનો માહોલ છે. ગુરુવારે 5મો કેસ મળી આવ્યો છે અને દર્દીઓના સંપર્કમાં આવેલા 700 લોકોમાંથી 77 લોકોને ઉચ્ચ જોખમની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. સરકાર સંપર્કમાં આવેલા 700 લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. ચેપના ફેલાવાને રોકવા માટે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં માત્ર ઈમરજન્સી સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 દર્દીઓના પણ વાયરસના કારણે મોત થયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે રાજ્ય સરકારે ચેપના ફેલાવાને રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે. સરકારે સૂચના આપી છે કે હાઈ રિસ્ક ઝોનના દર્દીઓએ તેમના ઘરની બહાર ન નીકળવું જોઈએ. આ ઉપરાંત સોશિયલ મીડિયા અને ટેલિવિઝન પર પણ સરકાર તરફથી જાગૃતિના સંદેશાઓ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.
કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે બે દર્દીઓના મોત થયા છે અને સાવચેતીના પગલારૂપે સમગ્ર શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. મૃતક દ્વારા ઉપયોગમાં લેવાયેલા માર્ગને કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે. બીજી તરફ 9 પંચાયતોમાં કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે અને કન્ટેઈનમેન્ટ ઝોનમાં માત્ર ઈમરજન્સી સુવિધાઓને જ મંજૂરી છે.
સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાવાનો ખતરો
કેરળમાં નિપાહ વાયરસના કારણે બે દર્દીઓના મોત થયા છે અને 77 ઉચ્ચ જોખમના કેસોને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ પર છે. આરોગ્ય મંત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાઈ જવાનો ભય છે. રાજ્ય સરકારે ચેપ અટકાવવા માટે ઘણા પગલાં લીધાં છે. હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવેલા લોકોને ઘરે જ રહેવાની સૂચના આપવામાં આવી છે જ્યારે દર્દીઓના સંપર્કમાં આવેલા 700 લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નિપાહ વાયરસના ફેલાવાને કારણે કેરળમાં ગભરાટ
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ વખતે નિપાહ વાયરસ બાંગ્લાદેશથી ફેલાયો છે. વાયરસના આ પ્રકારની સંક્રમણ ક્ષમતા ઓછી છે પરંતુ મૃત્યુ દર ઘણો વધારે છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છે. નિપાહ સંક્રમણ પ્રથમવાર 2018માં કેરળમાં ફેલાયું હતું અને તે સમયે 18માંથી 17 દર્દીઓના મોત થયા હતા. આ પછી, 2019 અને 2021 માં પણ ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા હતા. ફરી એકવાર આ વાયરસના ચેપે લોકોને ગભરાટમાં મુકી દીધા છે.