રાજસ્થાન નેશનલ હાઇ-વે પર બુધવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામેથી યાત્રા પ્રવાસે નીકળેલ બસના ૧૨ મુસાફરોના મોત નીપજ્યા હતા. આ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાયા બાદ આજે તેમના વતન ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ગઈકાલે અકસ્માતની જાણ થયા બાદ તુરંત જ સતત બે દિવસથી સમગ્ર દેહોર ગામ સજ્જડ બંધ રહેવા પામ્યુ છે. અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયેલો છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામેથી બજરંગદાસ બાપા આશ્રમથી 57 યાત્રિકો ભરીને તારીખ 9ના રોજ રાત્રિના કાર્તિક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં મથુરા માટેની યાત્રા પ્રવાસે નીકળ્યા હતા બાર દિવસના પ્રવાસમાં નીકળેલા યાત્રિકો નાથદ્વારા અને પુષ્કરના દર્શન કરી તારીખ 12ના રોજ રાત્રિના સમયે મથુરા તરફ આગળના પ્રવાસ માટે નીકળ્યા હતા જ્યાં રાજસ્થાનના ભરતપુર નજીક બસ બંધ પડતા રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન કેટલાક મુસાફરો બસની બહાર હતા ત્યારે પાછળથી આવેલા એક તમામને અડફેટે લેતા અનતુભાઈ લાલજીભાઈ ગયાણી, નંદરામભાઇ મથુરભાઈ, લલ્લુભાઈ દયારામ ગયાણી, ભરતભાઈ ભીખાભાઈ, લાલજીભાઈ મનજીભાઈ, અંબાબેન ઝીણાભાઈ, કમુબેન પોપટભાઈ રામુબેન બુધાભાઈ, મધુબેન અરવિંદભાઈ, અંજુબેન ધાપાભાઇ, મધુબેન લાલજીભાઈ તથા કલુબેન સહિત બાર વ્યક્તિઓના મૃત્યુ થયા હતા જ્યારે દસેક જેટલા લોકોને લીધા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા સમગ્ર ભાવનગર શહેર જિલ્લા અને દિહોર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો.
આ બનાવની જાણ થતા તુરંત જ વહીવટી તંત્ર દ્વારા રાજસ્થાનના સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે અને મૃતકોને પીએમ કરાવી વતન લાવવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બનાવ અંગે રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત ભાવનગરના ધારાસભ્યો સાંસદ સાહિત્ય દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
દરમિયાન આજે બપોરે બારેક વાગ્યાના સુમારે તમામ મૃતદેહ એમ્બ્યુલન્સ મારફત દિહોર ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે મારે ગમગીની વચ્ચે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. અને મૃતકોના પરિવાર સહિત આખું ગામ હિબકે ચડ્યુ હતુ અને કોણ કોને છાનુ રાખે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દરમિયાન ગ્રામજનો દ્વારા તમામ મૃતકોને સામુહિક રીતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ પરમાર તેમજ અધિક કલેક્ટર, મામલતદાર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાદ એકજ ગામમાંથી એકસાથે તમામ મૃતકોની સ્મશાન યાત્રા નિકળી હતી. જેમાં આખુ દિહોર ગામ આજુબાજુના ગામના હજારો લોકો પણ જોડાયા હતા