કેલિફોર્નિયા, યુએસએમાં ફાસ્ટ ફૂડ કામદારો લાંબા સમયથી શ્રમ કાયદા દ્વારા અવગણવામાં આવે છે. તેઓને ઓછા વેતન પર લાંબા સમય સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. ફાસ્ટ ફૂડ ઉદ્યોગમાં કામદારોની ખૂબ જ જરૂર છે. આ વ્યવસાયને આગળ વધારવા માટે નિયમિતપણે નવા કામદારોની ભરતી કરવાની અને તેમને તાલીમ આપવાની જરૂર પડતી રહે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ફાસ્ટ ફૂડ કામદારો માટે નવું બિલ લાગુ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય તમામ કામદારોને લઘુત્તમ વેતન આપવાનો છે.
આ બિલ અનુસાર, વર્ષ 2024થી તમામ કામદારોને ન્યૂનતમ વેતન તરીકે પ્રતિ કલાકના હિસાબે 20 ડોલર એટલે કે આશરે 1,660 રૂપિયા આપવામાં આવશે. એસેમ્બલી બિલ 1228 કેલિફોર્નિયાના 500,000 ફાસ્ટ ફૂડ કામદારો અને આરોગ્ય સંભાળના 455,000 કામદારો માટે છે. અમેરિકન મીડિયા અનુસાર, દેશની તમામ રેસ્ટોરાંમાં કામદારો માટે લઘુત્તમ વેતનને વધારીને 20 ડોલર સુધી કરવું પડશે. જયારે આરોગ્ય કેન્દ્રમાં કામદારો માટે લઘુત્તમ વેતન વધારીને 23 ડોલર કરવામાં આવશે. મજૂર સંગઠનો અને ઉદ્યોગો આ બિલના સમર્થનમાં છે.
ફાસ્ટ-ફૂડ વર્કર અને SEIU સભ્ય ઇન્ગ્રિડ વિલોરીઓએ જણાવ્યું કે છેલ્લા એક દાયકાથી, ફાસ્ટ ફૂડ કૂક્સ, કેશિયર્સ અને બેરિસ્ટા અમારા ઉદ્યોગને પ્રભાવિત કરનાર લઘુત્તમ વેતન અને અસુરક્ષિત કામ કરવાની પરિસ્થિતિઓ સામે લડી રહ્યા છે. તેમણે આગળ કહ્યું, ‘અમે જાણીએ છીએ કે આ પરિસ્થિતિને સુધારવા માટે, અમારે અમારા કર્મચારીઓ સાથે બેસીને વાત કરવી પડશે, આનાથી ઉદ્યોગને આગળ વધારવામાં પણ મદદ મળી શકે છે.’ આ બિલને હજુ પણ વિધાનસભામાં પસાર કરવાની જરૂર પડશે, ત્યારબાદ બિલને લાગુ કરવા માટે ગવર્નર ગેવિન ન્યૂઝમની સહી જરૂરી રહેશે.