આરોગ્ય સેવાઓ જન જન સુધી પહોંચાડવા ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા “આયુષ્માન ભવ” નામક રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવાયો હતો. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની શૃંખલા અન્વયે રાજકોટ જિલ્લાનો આ કાર્યક્રમ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં આવેલ સરકારી નર્સિંગ કોલેજ ખાતે યોજાયો હતો.
જેમાં ૩૦૦ જેટલા ટી.બી.ના દર્દીઓને પોષક કીટ વિતરણ કરનારા દાતાઓનું સાંસદ રામ ભાઈ મોકરિયા અને મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન થયુ હતું.
જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામ મહેતાના જણાવાયા અનુસાર, ‘‘ટી.બી.(ટયુબરકલોસીસ) નિર્મૂલન માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો થઇ રહયા છે. ટી.બી. ફેફસા ઉપરાંત શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે. મગજ, લીવર, ગર્ભાશયની અંદર, આંગળીઓ, નખ કે આંખો ઉપર બહારની બાજુમાં પણ થઇ શકે છે. ટી.બી.ના બેકટેરિયાને નાશ કરવા ખૂબ મુશ્કેલ છે. ટી.બી.ના મુખ્ય લક્ષણોમાં ઉધરસ, વજન ઉતરવું, અશકિત, ઉબકા વગેરે છે. આ ઉપરાંત, કોઇ પણ લક્ષણો વિનાનો છુપો ટી.બી. પણ હોઇ શકે. ટી.બી.નો રોગ તેના ધારક દર્દીને શકિતહીન કરી નાખે છે. ત્યારે સરકાર દ્વારા દર્દીને પોષક આહાર મળે તે માટે દર માસે રૂ. ૫૦૦ દર્દીના ખાતામાં જમા કરવામાં આવે છે આ ઉપરાંત સમાજમાં અનેક દાતાઓ પણ ટીબીના દર્દીઓને પોષકયુકત આહારની કીટ આપે છે.’’
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડ, જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામ મહેતા, ડો.વાછાણી, ડો.લકકડ, જિલ્લા કવોલીટી મેડિકલ ઓફિસર ડો. પી.કે.સિંઘ, નર્સીંગ કોલેજના આચાર્ય અરુણાબેન, મેડિકલ કોલેજના ડિન ભારતી પટેલ, પી.એમ.જે.એ.વાય.ના નોડલ ઓફિસર ડો. ચાવડા, તબીબો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.