દેશના વિવિધ રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જ્યારે અન્ય કેટલાક રાજ્યોમાં વરસાદના અભાવે લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશના 20થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે. હવામાન વિભાગે 18 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે 19 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અને લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે. નોંધનીય છે કે, દિલ્હી એનસીઆરમાં ગતરોજ પડેલા વરસાદ બાદ ફરી એકવાર આકરી ગરમીએ લોકોને ત્રસ્ત કરી દીધા છે.
18 સપ્ટેમ્બરે દિલ્હી-NCR ક્ષેત્રમાં વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. 18 સપ્ટેમ્બરે રાજધાની દિલ્હી સહિત હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદે લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે. આ સાથે આજે મધ્યપ્રદેશમાં પણ વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ થવાનો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં 18 સપ્ટેમ્બરે મુશળધાર વરસાદ પડશે. આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ જોવા મળી શકે છે. 22 સપ્ટેમ્બર સુધી પશ્ચિમ અને પૂર્વ યુપીના કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળશે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
બિહારમાં વરસાદના અભાવે લોકો પરેશાન
બિહારમાં 18 સપ્ટેમ્બરે વરસાદની કોઈ શક્યતા નથી. 19 સપ્ટેમ્બરે બિહારના ઘણા જિલ્લાઓમાં વરસાદ, વીજળી અને ગાજવીજની સંભાવના છે. બિહારમાં વરસાદના અભાવે લોકો પરેશાન છે. અહી તડકો અને ગરમીએ લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. હાલમાં મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય છે. આવી સ્થિતિમાં બિહારમાં ન તો ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા છે કે ન તો વરસાદની કોઈ શક્યતા.