શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે. 5 વર્ષ બાદ ભારત એશિયા કપ ચેમ્પિયન બન્યું છે છેલ્લે 2018મા ભારતે એશિયા કપ જીત્યો હતો જોકે આ વખતનો કપ ભારતને સાવ સસ્તામાં મળ્યો હતો જોકે તેને માટે તેની ઘાતક બોલિંગ જવાબદાર હતી. ભારતીય ટીમની ઓપનિંગ જોડી શુભમન ગિલ અને ઈશાન કિશને 51 રન બનાવી લેતા શ્રીલંકાને 10 વિકેટે પરાજય મળ્યો હતો. કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકા તરફથી મળેલો ઈઝી ટાર્ગેટ પૂરો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
ભારતની દમદાર બોલિંગને કારણે શ્રીલંકા માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ જતા ભારતને 51 રનનો ઈઝી ટાર્ગેટ મળ્યો હતો. ભારતના મોહમ્મદ સિરાજે 6, હાર્દિક પંડ્યાએ 3 અને બુમરાહે 1 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા સામેની એશિયા કપની ફાઈનલમાં ભારતની બોલિંગ અતિ ઘાતક નીવડી હતી અને બોલિંગને કારણે જ શ્રીલંકા 50 રનમાં સમેટાઈ ગયું હતું. ટોસ હારીને પહેલા બોલિંગ માટે આવેલી ટીમ ઈન્ડીયાના મોહમ્મદ સિરાજે લંકા છાવણીમાં ભારે કેર મચાવ્યો હતો
મોહમ્મદ સિરાજે પહેલી ઓવરમાં 4 વિકેટ ઝડપીને શ્રીલંકાને દબાણમાં લાવી દીધું હતું. ત્યાર બાદ પણ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે કુલ 6 વિકેટ ઝડપી હતી. સિરાજ બાદ હાર્દિક પંડ્યાએ પણ લંકાના ખેલાડીઓને પરચો દેખાડ્યો હતો અને તેણે પણ 3 વિકેટ ઝડપી હતી. બૂમરાહને એક વિકેટ મળી હતી. આ રીતે 3 બોલરે જ શ્રીલંકાને ઓલઆઉટ કરાવી દીધી હતી. શ્રીલંકાના બેટ્સમેનો ભારતીય ઝડપી બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમનો કોઈ બેટ્સમેન 20નો આંકડો પાર કરી શક્યો નહોતો. કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રનની ઇનિંગ રમી હતી જ્યારે દુષણ હેમંતે 13 રન બનાવ્યા હતા.
શ્રીલંકાએ તોડ્યો બાંગ્લાદેશનો રેકોર્ડ
ભારત વિરૂદ્ધ ODIમાં કોઈપણ ટીમનો આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા બાંગ્લાદેશનો ભારત સામે વનડેમાં સૌથી ઓછો સ્કોર હતો. બાંગ્લાદેશની ટીમ 2014માં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ODIમાં સૌથી ઓછો ઓવરઓલ સ્કોરનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. ઝિમ્બાબ્વેની ટીમ 2004માં શ્રીલંકા સામે 35 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી