પંજાબ પોલીસે સેનાના એક જવાનની ધરપકડ કરી છે, તેની પર આરોપ છે કે તે એક ડ્રગ સ્મગલર સાથે મળીને પાકિસ્તાનની ISI માટે કામ કરતો હતો. ચંડીમંદિર સ્થિત પશ્ચિમી કમાન્ડ હેડક્વાર્ટરમાંથી સેના વિશેની કેટલીક ગુપ્ત જાણકારી કાઢીને ડ્રગ તસ્કરને આપી હતી. આરોપી જવાનનું નામ મનપ્રીત શર્માને પટિયાલા પોલીસે ભોપાલથી ધરપકડ કરી હતી જ્યાં તે સ્ટ્રાઇક કોરમાં પોસ્ટેડ હતો.
સૂત્રોનું કહેવું છે કે તે પહેલા વેસ્ટર્ન કમાન્ડમાં કામ કરતો હતો અને તેની પાસે કેટલાક કોમ્પ્યુટરનું એક્સેસ પણ હતું. આ દરમિયાન તેને ગુપ્ત જાણકારી ભેગી કરી હતી અને એક ડ્રગ તસ્કર અમરીક સિંહને આપી હતી. પટિયાલા પોલીસ સાથે મળીને આર્મી તપાસ કરી રહી છે કે અંતે તેને કંઇ જાણકારી લીક કરી છે. આ સિવાય જવાનને કોમ્પ્યુટરનું એક્સેસ કેવી રીતે મળ્યું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર,છેલ્લા કેટલાક દિવસથી આર્મીના વેસ્ટર્ન કમાન્ડમાં તમામ કોમ્પ્યુટર અને ડિસ્ક, પેનડ્રાઇવમાં સ્ટોર ડેટાનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે કે જે જાણકારી લીક થઇ છે તે કેટલી સંવેદનશીલ હોઇ શકે છે. નવી દિલ્હીમાં આવેલા સેનાની ઓફિસમાંથી પણ વેસ્ટર્ન કમાન્ડની વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવી છે.
પટિયાલાના એસએસપી વરૂણ શર્માએ જણાવ્યું કે આર્મીનો જવાન કેટલોક સમય કૈથલ જેલમાં રહ્યો હતો, તેની પર એક વિવાદને લઇને ફરિયાદ નોંધવામાં આવી હતી. બની શકે કે તે કોઇ ગુનેગારના સંપર્કમાં આવ્યો હોય, તે પછી અમરીક સિંહ સાથે તેનો કોન્ટેક્ટ થઇ ગયો હોય. આ તપાસ કરવામાં આવી રહી છે કે જ્યારે મનપ્રીત જેલમાં હતો ત્યારે આ વાતની જાણકારી સેનાને હતી કે નહતી.
પટિયાલાના એસએસપીએ કહ્યું કે, અમે અમરીક સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી અને તેના મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ કરાવી તો તેના ફોનમાં સેના વિશે કેટલીક સંવેદનશીલ જાણકારી સ્ટોર હતી. અમે જ્યારે પૂછપરછ કરી તો તેને સેનાના જવાન મનપ્રીત શર્માનું નામ કબુલ્યું હતું. ડ્રગ તસ્કરે કહ્યું કે, આ તમામ જાણકારી મનપ્રીત શર્માએ આપી છે. તે કોઇ પાકિસ્તાનીના સંપર્કમાં હતો જે પોતાનું નામ શેરખાન જણાવતો હતો. અમરીક સિંહ અને આર્મી જવાન બન્નેની અટકાયત કરવામાં આવી છે.