કેનેડાએ સોમવારે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એવા આરોપોને વિશ્વસનીય ગણાવ્યા છે કે કેનેડામાં એક શીખ કાર્યકર્તાની હત્યા સાથે ભારત સરકારની લિંક હોઈ શકે છે. તેમણે સંસદને જણાવ્યું હતું કે ખાલિસ્તાનના પ્રબળ સમર્થક શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરને 18 જૂને બ્રિટિશ કોલંબિયામાં એક શીખ સાંસ્કૃતિક કેન્દ્રની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના પગલે કેનેડિયન ગુપ્તચર એજન્સીઓ આરોપોની તપાસ કરી રહી છે.
ટ્રુડોએ સંસદને જણાવ્યું હતું કે તેમણે ગયા અઠવાડિયે G-20 ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હત્યાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય હશે, અને તપાસમાં સહકારની પણ માંગ કરી હતી.
ટ્રુડોએ કહ્યું, ‘છેલ્લા કેટલાક અઠવાડિયાથી, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારતીય સરકારી એજન્ટો અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપો પર સક્રિયપણે કામ કરી રહી છે.’ કેનેડિયન પીએમે કહ્યું, ‘કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની કોઈપણ સંડોવણી એ આપણા સાર્વભૌમત્વનું અસ્વીકાર્ય ઉલ્લંઘન છે.’ તેમણે કહ્યું કે તેમની સરકાર આ બાબતે કેનેડાના ભાગીદારો સાથે કામ કરી રહી છે અને સંકલન કરી રહી છે. તેમણે કહ્યું, ‘સૌથી મજબૂત શબ્દોમાં, હું ભારત સરકારને આ મામલાના તળિયે જવા માટે કેનેડાને સહકાર આપવા વિનંતી કરું છું.’