વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી મળી ગઈ છે. મહિલા અનામત બિલ 20 સપ્ટેમ્બર એટલે કે બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે મહિલાઓ માટે 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે.ઉલ્લેખનીય છે કે, સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.
વિશેષ સત્ર વચ્ચે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતાઓ સામેલ થયા હતા. જેમાં 27 વર્ષથી પેન્ડિંગ પડેલા મહિલા અનામત બિલને લીલીઝંડી મળી ગઈ છે.
લોકસભામાં હાલ 78 મહિલા સાંસદો છે. જે કુલ સંખ્યા 543ના 15 ટકાથી પણ ઓછી છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડ્ડુચેરી સહિત કેટલાક રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે.
વિશેષ સત્રના પ્રથમ દિવસે પીએમ મોદીએ જૂના સંસદમાં છેલ્લી વાર ભાષણ આપ્યું હતું. દેશ 75 વર્ષની સંસદીય યાત્રાને ફરી એક વખત યાદ કરવા અને નવા સદનમાં જવા માટે તે પ્રેરક ક્ષણોને, ઇતિહાસની મહત્ત્વના સમયનું સ્મરણ કરતા આગળ વધવાનો પ્રસંગ છે. આપણે બધા આ ઐતિહાસિક ભવનથી વિદાય લઇ રહ્યાં છીએ.આઝાદી પછી આ ભવનને સંસદ ભવનના રૂપમાં ઓળખ મળી. આ બિલ્ડિંગનું નિર્માણ કરવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો. આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આ ભવનના નિર્માણમાં પરસેવો અને પરિશ્રમ મારા દેશવાસીઓનો લાગ્યો હતો.
—-