લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઇ કરતું નારી શક્તિ વંદન બિલ લોકસભામાં પસાર થયા પછી હવે નજર રાજ્યસભા પર છે. રાજ્યસભામાં આજે બિલને રજૂ કરવામાં આવશે અને ચર્ચા પછી પસાર કરવાની તૈયારી કરવામાં આવશે. સરકારને આશા છે કે રાજ્યસભામાં પણ તમામ પક્ષોના સહયોગથી તેને પસાર કરવામાં આવશે.
રાજ્યસભામાં NDA પાસે બહુમત નથી. 239 સભ્યોની રાજ્યસભામાં NDA પાસે પોતાનું સંખ્યાબળ 112 છે જે સામાન્ય બિલને પસાર કરાવવા માટે ઓછું છે. અત્યાર સુધી બિલને પસાર કરાવવામાં બીજેડી, વાઇએસઆર જેવા કેટલાક પક્ષ સરકાર સાથે ઉભા રહે છે પરંતુ મહિલા અનામત સાથે જોડાયેલું બિલ સંવિધાન સંશોધન બિલ છે જેને પસાર કરાવવા માટે બે તૃતિયાંશ બહુમત એટલે કે 158 સાંસદોનું સમર્થન જોઇએ, માટે તેમાં કોંગ્રેસ, તૃણમૂલ જેવા મોટા પક્ષનું સમર્થન જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલા રાજ્યસભામાં આ બિલને પસાર કરાવવા માટે પક્ષની રાજનીતિથી ઉપર ઉઠવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે પહેલા આવા પ્રસંગે બિલને પાસ કરાવવામાં આવ્યું છે જેને કારણે સદનની ગરીમા વધી છે. જે રીતે લોકસભામાં બિલ વિરૂદ્ધ માત્ર બે મત પડ્યા હતા તેનાથી સરકારને રાજ્યસભામાં બિલનું તમામનું સમર્થન મળી શકે છે. જોકે, લોકસભામાં મોટાભાગના પક્ષોએ ઓબીસી અનામત જોડવા, તેને જલ્દી લાગુ કરવા અને જાતીય જનગણના જેવા મુદ્દા ઉઠાવ્યા છે. આ મુદ્દા રાજ્યસભામાં પણ ઉભા થશે.
વિપક્ષ નારી શક્તિ વંદન બિલ સંશોધનનું દબાણ પણ મુકી શકે છે પરંતુ સરકાર વર્તમાન સ્વરૂપમાં જ બિલને પસાર કરાવવા માંગે છે, માટે આ મુદ્દાને બાજુ પર મુકીને સરકાર તેને પસાર કરાવવાનો પ્રયાસ કરશે. સરકારને લાગે છે કે રાજકીય નુકસાનના ડરથી વિપક્ષ બિલ નહીં અટકાવે. મહત્ત્વપૂર્ણ છે કે રાજ્યસભામાં ઇન્ડિયા જૂથમાં 96 સાંસદ છે. 28 સાંસદ બીજેડી, વાઇએસઆર તથા અન્ય નાના પક્ષના છે. જ્યારે ત્રણ અપક્ષ છે જેમનું વલણ સ્પષ્ટ નથી.






