સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે રાજ્યસભામાં પણ મહિલા અનામત બિલ પાસ થઈ ગયું છે. રાજ્યભસામાં મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન) પર ચર્ચા બાદ મતદાન થયું હતું. રાજ્યસભામાં સર્વાનુમતે મહિલા અનામત બિલ પાસ થઈ ગયું છે. આ બિલની તરફેણમાં 215 મત પડ્યા છે. જ્યારે વિરોધમાં એક પણ મત પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે, બુધવારે લોકસભામાં મહિલા અનામત બિલના પક્ષમાં 454 મત પડ્યા અને વિરોધમાં 2 મત પડ્યા હતા. આ બિલના વિરોધમાં ફક્ત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ જ મતદાન કર્યું હતું.
લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ આ બિલને હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ આ બિલ કાયદો બની જશે. વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં કહ્યું કે, આ બિલ પર બે દિવસથી મહત્ત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. ભવિષ્યમાં પણ આ ચર્ચાનો દરેક શબ્દ આપણી યાત્રામાં ઉપયોગી થવાનો છે. આ બિલને સમર્થન આપવા બદલ હું દરેકનો આભાર વ્યક્ત કરું છું.
છેલ્લા 27 વર્ષથી આ બિલની માંગ કરવામાં આવી રહી છે. મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકે છે. જેમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે અનામતમાં એક તૃતિયાંશ સીટમાં SC અને ST સમુદાયની મહિલાઓ માટે અનામત થઇ જશે. આ અનામત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ અલગ ક્ષેત્રમાં રોટેશન પ્રક્રિયા મુજબ ફાળવવામાં આવશે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ બાદ મહિલાઓ માટે અનામત ખતમ થઈ જશે.
2029 પહેલા દેશમાં આ બિલ નહિ થઇ શકે લાગુ ?
મહિલા અનામત બિલ પાસ થયા બાદ પણ પુરા દેશમાં વર્ષ 2029માં લાગુ થશે. કારણે કે તેના માટે લોકસભાની સીટો પર પરમીશનની શરતો રાખવામાં આવી છે. આ પરમીશન માટે બંધારણીય પ્રક્રિયાની શરૂઆત થયા બાદ ઓછામાં ઓછા બે વર્ષ લાગશે. આ ઉપરાંત એ બાબત પણ નક્કી નથી કે પરમીશન પ્રોસેસ પૂરી થયા બાદ વિધાનસભાની ચુંટણી થાય ત્યારે જે તે રાજ્યમાં આ પ્રાવધાન લાગુ પડે કે કેમ? તેમાં અનામત ક્વોટાની વ્યવસ્થા કેવી હશે? અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતી તેમજ OBC માટેનો ક્વોટામાં મહિલાઓને અનામતના લાભની પ્રક્રિયા શું હશે? આ ઉપરાંત ઘણી અન્ય કાનૂની અને બંધારણીય સમસ્યાઓ હશે.