અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહિનામાં અલગ અલગ જગ્યાએ અડધો ડઝનથી વધુ કેસ કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. ડ્રગ્સના દૂષણના રેકેટ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં એક કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક કરોડથી વધુ થાય છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચે નારોલ બ્રિજ પાસે આવેલી શિમલા હોટેલમાંથી તૌફિક ઉર્ફે ટાઈગર ઘાંચીને 521.800 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. ટાઈગર ઘણા સમયથી ઉદયપુરથી આરિફ પઠાણ નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં સપ્લાય કરતો હતો. આરિફ અમદાવાદના તૌફિક તથા અન્ય ડ્રગ્સ ડિલરો પાસેથી જ્યારે પણ ડ્રગ્સનો ઓર્ડર મળે ત્યારે તેના ડ્રગ્સ પેડલર સુહેલ અસરફ મંસુરીને ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ મોકલી આપતો હતો. તે અમદાવાદ આવીને હોટેલમાં ચાર પાંચ દિવસ રોકાતો હતો અને આરિફના જણાવ્યા પ્રમાણે અલગ અલગ ડ્રગ્સ ડિલરોને ડ્રગ્સ આપતો હતો. આ ડ્રગ્સના પૈસા તે ઓનલાઈન અથવા તો મની ટ્રાન્સફરથી મેળવતો હતો. દરમિયાન ગઈ કાલના રોજ આરોપી સુહેલ અસરફ મંસુરી પાસેથી આરોપી તૌફિક ઉર્ફે ટાઇગર ફરીથી ડ્રગ્સનો જથ્થો લેવા આવતા પકડાઈ ગયો હતો. તેની પાસેથી 52.18 લાખનું ડ્રગ્સ કબજે કરાયું હતું. આરોપી તૌફિક અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાયો હતો.
તે ઉપરાંત ક્રાઈમ બ્રાંચે જાકીર હુસૈન શેખને 594.800 ગ્રામના 59.48 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે છારોડી પાટીયા પાસેથી ઝડપી લીધો હતો. આરોપી જાકિરે ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં જણાવ્યું હતું કે, તે તથા તેનો ભાઈ અનવર હુસૈન છ મહિનાથી પાલનપુરના કણોદરથી મનુભાઈ નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સ ખરીદીને અમદાવાદમાં જુદા જુદા પેડલરોને આપીને ધંધો કરતા હતાં. આ જથ્થો આરીપી અનવરહુસેન પોતાના ઘરમાં સંતાડી રાખતો હતો અને નાની નાની પડીકી બનાવીને વેચતો હતો. આરોપીનો ભાઈ અનવર હુસૈન રાજસ્થાનમાં જેલમાં હતો ત્યારે મનુભાઈ સાથે મુલાકાત થઈ હતી અને ત્યાં જ બંને જણાએ ડ્રગ્સનો ધંધો કરવાનું નક્કી કર્યું હતું.
જાકીર હુસૈન ગુલામ શેખ ફતેવાડીનો રહેવાસી છે, જેની પાસેથી 594.800 ગ્રામના 59.48 લાખની કિંમતના ડ્રગ્સ ઝડપવામાં આવ્યો છે. તેનો ભાઈ અનવર હુસૈન રાજસ્થાનની આબુરોડ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સના કેસમાં ઝડપાયો હતો, મનુ ચૌધરી નામનો આરોપી 2014માં રાજસ્થાનના પીંડવાડા પોલીસ સ્ટેશનમાં 10 કિલો અફીણના જથ્થા સાથે ઝડપાયો હતો. ત્યારબાદ 3 વર્ષ સુધી કાચાકામના કેદી તરીકે રાજસ્થાનની સિરોહી જેલમાં હતો. ત્યાર બાદ મનુ ચૌધરીને 10 વર્ષની સજા થતા તે રાજસ્થાનની જોધપુર જેલમાં ધકેલાયો હતો. સિરોહી જેલમાં અનવર હુસૈન અને મનુ ચૌધરી જોડે હતા, એ દરમિયાન જાકીર હુસૈન તેમને મળવા સિરોહી જેલમાં જતો હતો. અવાર-નવાર જેલની અંદર મુલાકાત થતા જાકીર હુસૈન ડ્રગ્સની દુનિયામાં આવી ગયો હતો. રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો લઈને આવતો હતો અને અમદાવાદના પેડલરોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તેમજ અનવર હુસૈન તથા જાકીર હુસૈને ભેગા મળીને છેલ્લા છ મહિનાથી અમદાવાદની અંદર આ ડ્રગ્સનો જથ્થો ખરીદીને વેચાણ કરતા હતા. દર 2-3 દિવસે પાલનપુર રોડ મારફતે રિક્ષામાં અમદાવાદ સુધી આ ડ્રગ્સનો જથ્થો પહોંચતો હતો.