ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હાલ મેઘરાજા થોડા શાંત જોવા મળી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે. જોકે, હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગઈ નથી. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 17થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી છે. આ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જોકે, હાલ રાજ્યના એક પણ જિલ્લામાં રેડ અલર્ટ નથી.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને તે ફરી ગુજરાત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે તેવી શક્યતા જણાઈ રહી છે.
હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે, ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. તા. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે