ભારતીય પરિવારોના દેણામાં મોટો વધારો થઈ રહ્યો છે અને બચત સફાચટ થઈ રહી છે. ઘરેલુ બચત 47 વર્ષના તળીયે પહોંચ્યાનાં રિઝર્વ બેન્કનાં રીપોર્ટ બાદ હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા (એસબીઆઈ) રિસર્ચે એમ કહ્યુ છે કે બચત અર્ધી અને દેણુ ડબલ થઈ ગયુ છે.
રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે 2022-23માં ભારતીયોની બચત 55 ટકા ઘટીને જીડીપીનાં 5.1 ટકા રહી ગઈ છે. જયારે ધિરાણ દેણાનો બોજ 15.6 લાખ કરોડ પર પહોંચ્યો છે. બચતનો એક મોટો ભાગ લોકો ફિઝીકલ એસેટસમાં પહોંચી ગયા છે. 2022-23 માં તેના પરનું ધિરાણ પણ 8.2 લાખ કરોડ રૂપિયા વધી રહ્યું છે. હોમલોનનાં ધિરાણમાં 7.1 લાખ કરોડનો વધારો થયો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાકાળમાં વ્યાજદર સ્થિર રાખવામાં આવ્યો હતો એટલે લોકો ફાઈનાન્સીયલ પ્રોડકટસ-મિલકતોમાં રોકાણ કરવા લાગ્યા હતા. છેલ્લા બે વર્ષમાં રિટેઈલ ધિરાણનો 55 ટકા હિસ્સો ઘર ખરીદવામાં ઉચ્ચ શિક્ષણ તથા વાહન ખરીદીમાં પહોંચ્યો છે. ઘરેલુ બચત 2020-21 માં 11.5 ટકા હતી તે માત્ર બે જ વર્ષમાં 5.1 ટકાએ સરકી ગઈ છે. એસબીઆઈના ચીફ ઈકોનોમી એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષના કહેવા પ્રમાણે કોરોના મહામારી પછીથી ભારતીયોનું નાણાંકીય દેણુ 8.2 લાખ કરોડ વધી ગયુ છે.જે 6.7 લાખ કરોડની બચત કરતા વધુ છે. આ સમયગાળામાં વીમા, પેન્શન-પીએફ જેવી પ્રોડકટમાં રોકાણ 4.1 લાખ કરોડ વધ્યુ છે. લોકોના દેણામાં 8.2 લાખ કરોડના વદારામાં 7.1 લાખ કરોડ તો બેંક લોનનાં જ છે.લાંબા વખત સુધી વ્યાજદર નીચા રહ્યા તેનું આ પરીણામ છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી તથા સંપતિનાં ઉંચા ભાવના કારણે તે ક્ષેત્રમાં રોકાણ વધ્યુ છે.
લોકો મકાન-કાર વાહનો લેવા લાગતા બચત ઘટી: સરકારનો બચાવ
ભારતમાં ઘરેલુ-પારિવારીક બચતનું સ્તર પાંચ વર્ષનાં તળીયે પહોંચી ગયાના રીપોર્ટને પગલે રાજકીય પ્રત્યાઘાતો શરૂ થતાં અને સોશ્યલ મિડિયામાં મુદો ગરમાતા સરકારને પ્રતિક્રિયા આપવાની ફરજ પડી છે.સરકારે એવો બચાવ રજુ કર્યો છે કે લોકો દેણુ કરીને ઘર તથા કાર ખરીદ કરી રહ્યા છે. નાણાં મંત્રાલયે એવો બચાવ કર્યો હતો કે લોકો નવી ફાઈનાન્સીયલ પ્રોડકટમાં રોકાણ કરતા હોવાથી બચત ઓછી થઈ છે બાકી સંકટ જેવી કોઈ સ્થિતિ નથી. મંત્રાલય દ્વારા એકસ (ટિવટર) પર એમ કહેવાયું છે કે લોકોમાં ફાઈનાન્સીયલ પ્રોડકટસમાં રોકાણ કરવાનું આકર્ષણ છે અને એટલે જ બચતમાં ઘટાડો છે. લોકો વધુ ઘર અને કાર-વાહનો ખરીદી રહ્યા છે અને તેમાં કોઈ ચિંતાની વાત નથી લોકોએ અગાઉના વર્ષોની સરખામણીએ ઓછી બચત કરી કારણ કે તેઓ હવે ઘર-વાહનો ખરીદવા માટે વધુ ધિરાણ લઈ રહ્યા છે.