ભારત અને ઓસ્ટ્રેલિયાવચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ટીમના ફાયદામાં રહ્યો હતો. આ દરમિયાન પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 276 રન બનાવ્યા હતા. ત્યારે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીએ શાનદાર બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાને પહેલા જ બેકફૂટ પર ધકેલી દીધું હતું.
પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં રમાયેલી પ્રથમ ODI મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 276 રન જ બનાવી શક્યું હતું. જવાબમાં, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની અડધી સદીની મદદથી ભારતે 48.4 ઓવરમાં 5 વિકેટે 281 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 2, પેટ કમિન્સ અને સીન એબોટે 1-1 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 277 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડે શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી થઈ હતી. ઋતુરાજ ગાયકવાડ 77 બોલમાં 71 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 3 રન બનાવ્યા હતા. આ પછી શુભમન ગિલ 74 ના અંગત સ્કોર પર આઉટ થયો હતો.
ભારતીય બોલરોએ પ્રથમ વનડેમાં ખૂબ જ ઇકોનોમિક બોલિંગ કરી હતી. કોઈ બોલરે કાંગારુ બેટ્સમેનોને હાથ ખોલવાની કોઈ તક આપી ન હતી, ખાસ કરીને ઝડપી બોલર મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની આકરી પરીક્ષા લીધી હતી. શમીએ ઓસ્ટ્રેલિયા સામે 10 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયાને 51 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ સાથે શમીએ 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. મોહમ્મદ શમી 2007 પછી ભારતમાં વનડેમાં 5 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો છે. આ સિવાય શમી ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 37 વિકેટ લેનારો બીજો બોલર બન્યો છે. જ્યારે કપિલ દેવ દેવનું નામ પ્રથમ સ્થાને છે. જેમના નામે 45 વિકેટ છે.