પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો ત્યારે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાનને અમારી આંતરિક બાબતોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે પાકિસ્તાને પહેલા 26/11ના આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અને જમ્મુ-કાશ્મીરમાં કબજા હેઠળનો વિસ્તાર ખાલી કરવો જોઈએ, પછી કોઈ સાથે વાત કરવી જોઈએ. ભારતે પાકિસ્તાન પર યુએન પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે શુક્રવારે ફરી એકવાર યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ભારતે પાકિસ્તાનને વૈશ્વિક પ્લેટફોર્મનો દુરુપયોગ કરનાર એક રીઢો ગુનેગાર ગણાવ્યો હતો. યુએનજીએની દ્વિતીય સમિતિ માટે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ ગેહલોતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, ‘પાકિસ્તાન ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને દૂષિત પ્રચાર ફેલાવવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવા માટે રીઢો ગુનેગાર છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય બહુપક્ષીય સંગઠનોના સભ્ય દેશો સારી રીતે જાણે છે કે પાકિસ્તાન માનવ અધિકારના મામલામાં તેની નબળી સ્થિતિથી આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન હટાવવા માટે આવું કરે છે.
ગેહલોતે કહ્યું, ‘અમે ફરી એકવાર પુનરોચ્ચાર કરીએ છીએ કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોને લગતી બાબતો સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબતો છે. પાકિસ્તાનને આપણા ઘરેલું મામલાઓ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાને 3 પગલાં ભરવા પડશે. સૌપ્રથમ, તેણે સરહદ પારના આતંકવાદને રોકવો જોઈએ. બીજું, ગેરકાયદેસર અને બળજબરીથી કબજે કરાયેલા ભારતીય પ્રદેશોને ખાલી કરવા પડશે. અને ત્રીજું, લઘુમતીઓ સામે થતા ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનોને તાત્કાલિક રોકવા પડશે.
ગેહલોતે કહ્યું, ‘દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર આંગળી ઉઠાવતા પહેલા પાકિસ્તાન પોતાને સુધારે તે સારું રહેશે. પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની મહિલાઓ ખાસ કરીને હિંદુઓ, શીખો અને ખ્રિસ્તીઓની હાલત દયનીય છે. પાકિસ્તાનના માનવ અધિકાર પંચના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં દર વર્ષે લઘુમતી સમુદાયોની લગભગ 1,000 મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી ધર્મ પરિવર્તન અને લગ્ન કરાવવામાં આવે છે. પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરે નિયુક્ત આતંકવાદી સંગઠનો અને વ્યક્તિઓને આશ્રય આપતો દેશ છે.