પોલીસે જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ સાથે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.
ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી બે પિસ્તોલ, ત્રણ હેન્ડ ગ્રેનેડ, એક અંડરબેરલ ગ્રેનેડ લોન્ચર અને અન્ય દારૂગોળો મળી આવ્યો છે. આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. રવિવારે કુલગામ પોલીસને આ તમામ હાઇબ્રિડ આતંકીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. આતંકવાદીઓને પકડવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમના કબજામાંથી બે પિસ્તોલ, ત્રણ હેન્ડ ગ્રેનેડ, એક યુબીજીએલ, બે પિસ્તોલ મેગેઝીન, 12 પિસ્તોલ રાઉન્ડ અને 21 એકે-47 રાઉન્ડ સહિત હથિયારો અને દારૂગોળોનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો.
આતંકવાદીઓની ઓળખ આદિલ હુસૈન વાની, સુહેલ અહેમદ ડાર, ઈતમાદ અહેમદ લાવે, મેહરાજ અહેમદ લોન અને સબઝાર અહેમદ ખાર તરીકે કરવામાં આવી છે. આ અંગે કાઈમોહ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મામલાની તપાસ ચાલી રહી છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં પોલીસે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને હથિયારો અને દારૂગોળા સાથે બે લોકોની ધરપકડ કર્યાના લગભગ એક મહિના પછી આ ઘટના બની છે. 26 આસામ રાઈફલ્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સાથે સંયુક્ત ઓપરેશન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.