ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ યથાવત છે. ત્યારે આ વચ્ચે કેનેડાના રક્ષા મંત્રી બિલ બ્લેરે રવિવારે કહ્યું હતું કે ભારત સાથે સંબંધ મહત્ત્વપૂર્ણ છે. તેમનો દેશ ભારત-પ્રશાંત રણનીતિ જેવી ભાગીદારીને આગળ વધારતો રહેશે. કેનેડાના રક્ષા મંત્રીએ એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘જ્યાં સુધી આ આરોપીની વાત છે ત્યાં સુધી તેની તપાસ ચાલુ રહેશે, હા પણ કેનેડા ભારત સાથે ભાગીદારી ચાલુ રખાશે કારણ કે ભારત સાથેના અમારા સંબંધો મહત્ત્વપૂર્ણ છે.
ગ્લોબલ ન્યૂઝે કેનેડાના સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરને ટાંકીને કહ્યું કે, કાયદાનું રક્ષણ કરવું અમારી જવાબદારી છે. અમે સંપૂર્ણ તપાસ કરી શકીએ અને સત્ય સુધી પહોંચી શકીએ તે સુનિશ્ચિત કરતી વખતે અમારા નાગરિકોની સુરક્ષા માટે. “જો આરોપો સાચા સાબિત થાય છે, તો કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા એ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન હશે, જે કેનેડા માટે ખૂબ જ ચિંતાનો વિષય હશે.”
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદ ચંદ્ર આર્યએ રવિવારે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા માટે પોતાની સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે ઉગ્રવાદીઓ દ્વારા આપવામાં આવેલી ધમકીઓ બાદ હિન્દુ કેનેડિયનો ડરી ગયા હતા. લિબરલ પાર્ટીના સાંસદે વારંવાર હિંદુ કેનેડિયનો માટે ધમકીઓનો મુદ્દો ઉઠાવ્યો છે અને સમુદાયને શાંત અને જાગ્રત રહેવા વિનંતી કરી છે. ગુરપતવંત સિંહ પન્નુન અને અન્ય ઉગ્રવાદીઓએ કેનેડામાં હિન્દુ સમુદાયને ધમકીઓ આપ્યા બાદ તેમની ટિપ્પણીઓ આવી છે.